Home Uncategorized ચેતવણી : નાનાં બાળકોમાં ‘મંકીપોક્સ’નું વધુ જોખમ, 20 દિવસમાં 21 દેશમાં નોંધાયા...

ચેતવણી : નાનાં બાળકોમાં ‘મંકીપોક્સ’નું વધુ જોખમ, 20 દિવસમાં 21 દેશમાં નોંધાયા 226 કેસ, ભારતમાં મંકીપોક્સના એકપણ કેસની પુષ્ટિ થઇ નથી!

Face Of Nation 28-05-2022 : મંકીપોક્સનું સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ચેતવણી આપી છે. હેલ્થ એજન્સીએ જણાવ્યું છે કે નાનાં બાળકોને આ બિમારીનું જોખમ વધારે છે, જેને કારણે લક્ષણો પર ધ્યાન આપવું પડશે. ભારતમાં મંકીપોક્સના એકપણ કેસની પુષ્ટિ થઇ નથી, પરંતુ સરકાર આ સંક્રમણ વિશે હાઇ અલર્ટ પર છે. ભારતીય પ્રાઇવેટ હેલ્થ ડિવાઇસ કંપની ટ્રિવી ટ્રોન હેલ્થકેર દ્વારા મંકીપોક્સની તપાસ માટે RT-PCR ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટથી એક કલાકની અંદર પરિણામ જાણી શકાશે.
21 દેશમાં 226થી વધુ કેસ
આર્જેન્ટિનામાં શુક્રવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. દર્દી હાલમાં સ્પેનથી પરત ફર્યો હતો. દેશમાં વાઇરસનો એક શંકાસ્પદ દર્દી પણ મળી આવ્યો છે. અગાઉ મંગળવારે પશ્ચિમ આફ્રિકાથી યુએઈ પરત ફરેલી એક મહિલામાં પણ મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. તો બીજીતરફ અત્યાર સુધીમાં 21 દેશમાં મંકીપોક્સના 226 કેસની પુષ્ટિ થઈ છે. WHOએ જણાવ્યું હતું કે, લગભગ 100 શંકાસ્પદ દર્દી એવા દેશોમાંથી નોંધાયા છે, જ્યાં સામાન્ય રીતે મંકીપોક્સના કેસ જોવા મળ્યા નથી. બ્રિટનમાં 7મી મેના રોજ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. મંકીપોક્સ વાઇરસમાં અત્યારસુધી કોઈ આનુવંશિક ફેરફારો જોવા મળ્યા નથી, એટલે કે વાઇરસ હજુ સુધી મનુષ્યમાં પરિવર્તિત થયો નથી. વૈજ્ઞાનિકો આ રોગ આફ્રિકાની બહાર કેવી રીતે ફેલાયો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બ્રિટનમાં 106, પોર્ટુગલમાં 74 દર્દી મંકીપોક્સ છે
આ મહિનામાં મંકીપોક્સના કેસ જોતાં સ્પેનને એપીસેન્ટર માનવામાં આવી રહ્યું છે. શુક્રવાર સુધી અહીં 98 કેસની પુષ્ટિ થઈ છે તો બ્રિટનમાં 106 અને પોર્ટુગલમાં 74 દર્દી મંકીપોક્સના છે. આ સિવાય મંકીપોક્સ કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ઈટાલી અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
સમલૈંગિક પુરુષોમાં મંકીપોક્સ ચેપ ફેલાવાનું કારણ
સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સલાહકાર ડૉ. ડેવિડ હેમને ન્યૂઝ એજન્સી એપી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમલૈંગિક પુરુષોમાં મંકીપોક્સ ચેપ ફેલાવાનું કારણ સ્પેન અને બેલ્જિયમમાં બે સમલૈંગિક સેક્સ પાર્ટીઓ હોઈ શકે છે. મંકીપોક્સ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) નથી. જોકે સેક્સ દરમિયાન ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક આવવાથી રોગ ફેલાય છે. સમલૈંગિક પુરુષોમાં ઝડપથી ફેલાતા સંક્રમણને જોતાં WHOએ પણ એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય એજન્સી કહે છે કે જો કોઈ વ્યક્તિમાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળે છે, તો તેની સાથે સ્કિન ટુ સ્કિન, ફેસ ટુ ફેસ અને જાતીય સંપર્ક ન કરો. જ્યારે પણ તમે દર્દીની નજીક આવો ત્યારે માસ્ક પહેરો અને તમારા હાથ ધોવા.મંકીપોક્સનાં લક્ષણોમાં આખા શરીરમાં પરુથી ભરેલા ફોલ્લીઓ, તાવ, લસિકા ગાંઠોમાં સોજો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).