Home News ડ્રગ્સ કેસમાં “બાદશાહ”ના દીકરાને મળી ક્લિનચીટ; આર્યન ખાનને NCBને કહ્યું હતું, ‘ઊંઘની...

ડ્રગ્સ કેસમાં “બાદશાહ”ના દીકરાને મળી ક્લિનચીટ; આર્યન ખાનને NCBને કહ્યું હતું, ‘ઊંઘની બીમારી હતી, આથી અમેરિકામાં “ગાંજો પીવા”નું શરૂ કર્યું હતું’!

Face Of Nation 29-05-2022 : બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લિનચીટ મળી ગઈ છે. આ કેસમાં એજન્સીએ દાખલ કરેલી ચાર્જશીટ પ્રમાણે, આર્યન ખાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને કહ્યું હતું કે તેણે અમેરિકામાં ગ્રેજ્યુએશનના દિવસોથી ગાંજો લેવાનું શરૂ કર્યું હતું. તેને ઊંઘની બીમારી હતી અને ગાંજો લેવાથી તેને રાહત મળતી હતી.
2018થી ગાંજો પીવાનું શરૂ કર્યું હતું
ચાર્જશીટ પ્રમાણે, NCBને આપેલા એક નિવેદનમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તેણે 2018માં અમેરિકામાં ગાંજો પીવાનું શરૂ કર્યું હતું. અહીં તે ગ્રેજ્યુએશન કરતો હતો. અન્ય એક નિવેદનમાં તેણે NCBને એમ કહ્યું હતું કે ગ્રેજ્યુએશનના સમયથી તેને ઊંઘની બીમારી હતી અને તેણે ઇન્ટરનેટ પર વાંચ્યું હતું કે ગાંજો લેવાથી આ બીમારીમાં રાહત મળી શકે છે.
ડીલર તેના મિત્ર અચિતને ઓળખે છે
NCBએ કહ્યું હતું કે અન્ય એક નિવેદનમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તેણે મોબાઇલ ફોનમાં આપત્તિજનક વ્હોટ્સએપ ડ્રગ ચેટ મોકલી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે મુંબઈના બાંદ્રામાં એક ડીલરને ઓળખે છે, પરંતુ તેને તેનું નામ ને એડ્રેસ ખબર નથી, કારણ કે ડીલર તેના મિત્ર અચિતને ઓળખે છે. આ કેસમાં અચિત પણ આરોપી હતો.
આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથીઃNCB
NCBએ આર્યનને ક્લીન ચિટ આપ્યા બાદ પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહોતા અને કોઈપણ સાક્ષીએ તેને ડ્રગ્સ આપવાની વાત સ્વીકારી નથી. આ કેસમાં NCBએ 6,000 પેજની ચાર્જશીટ સ્પેશિયલ NDPS કોર્ટમાં દાખલ કરી હતી.  આર્યન સહિત 19 આરોપી હતા.
પુરાવાના અભાવે ક્લીન ચિટ મળી, તપાસ બંધ કરી
NCBના સંજય કુમાર સિંહે કહ્યું હતું કે આર્યન તથા મોહકને છોડીને તમામ આરોપીઓ પાસેથી માદક પદાર્થો મળ્યા હતા. 14 લોકો વિરુદ્ધ વિવિધ કેસ કરવામાં આવ્યા હતા. અન્ય છ લોકો વિરુદ્ધ પુરાવાના અભાવે ફરિયાદ કરી શકાઈ નહીં. તો બીજીતરફ NCBની ક્લીન ચિટ બાદ હવે મુંબઈ પોલીસે પણ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ અટકાવી દીધી છે. મુંબઈ પોલીસ પણ આ કેસની તપાસ કરતી હતી. જોકે મુંબઈ પોલીસે કોઈની ધરપકડ કરી નહોતી.
અરબાઝ મર્ચન્ટ-મુનમુન ધામેચા આરોપી
આર્યન ઉપરાંત અન્ય પાંચ આરોપીનાં નામ પુરાવા ના હોવાને કારણે ચાર્જશીટમાં સામેલ નથી, જેમાં એવિના શાહુ, ગોપાલજી આનંદો, સમીર સાઇઘાન, ભાસ્કર અરોરા તથા માનવ સિંઘલી સામેલ છે. આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાને NCBએ આરોપી બનાવ્યા છે. અરબાઝ પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની વાત NCBએ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).