Home Gujarat પેટ્રોલ-ડીઝલના વેટની તગડી કમાણી: ગુજરાતને વેટમાંથી વાર્ષિક 5,659 કરોડ આવક, વેટમાંથી સૌથી...

પેટ્રોલ-ડીઝલના વેટની તગડી કમાણી: ગુજરાતને વેટમાંથી વાર્ષિક 5,659 કરોડ આવક, વેટમાંથી સૌથી વધુ આવક મેળવવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે!

Face Of Nation 31-05-2022 : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી આમ પ્રજાના ખિસ્સા ભલે હળવા થઈ રહ્યા હોય પણ પેટ્રોલિયમ પેદાશો પરના ટેક્સમાંથી સરકારને તગડી આવક થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઇકોરેપ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર લગતા વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)માંથી દેશના અલગ અલગ રાજ્યોને કુલ મળીને રૂ. 49,229 કરોડની આવક થઈ છે. આ સમયગાળામાં ગુજરાતને વેટની રૂ. 5,659 કરોડ આવક થઈ છે. ટેક્સની ઊંચી આવક મેળવવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે છે.
સરકાર વેટ ઘટાડે તો બહુ નુકસાન નથી
SBIના રિસર્ચ રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ અને સ્થાનિક સ્તરે કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલમાં લિટર દીઠ રૂ. 3 અને ડીઝલમાં રૂ. 2નો ઘટાડો કરે તો પણ તેમની ટેક્સની આવકમાંથી રૂ. 852 કરોડનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધી રહ્યા છે તે જોતાં સરકારને તે મુજબ આના કરતાં પણ ઓછી ખોટ જઈ શકે છે. આ હિસાબે ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડે તો પણ તેને કઈ ખાસ ગુમાવવાનું આવશે નહીં.
ક્રૂડ ઓઇલના ભાવ વધારાનો ફાયદો થયો
રિપોર્ટમાં જણાવાયું છે કે ગત નાણાકીય વર્ષમાં કોરોના અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલ 139 ડોલર પ્રતિ બેરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. ગુજરાતમાં પેટ્રોલ રૂ. 105.06 પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું હતું. આ રીતે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થવાથી સરકારને ટેક્સની આવક પણ વધારે થઈ હતી. અત્યારે ફરી ભાવ વધવાના શરૂ થયા છે અને ક્રૂડ હાલ 120 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આના કારણે પેટ્રોલિયમ કંપનીઓ ફરી ભાવ વધારો કરે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં સરકારની વેટની આવક પણ વધશે.
ચૂંટણી નજીક આવતા ભાવમાં હજુ ઘટાડો થઈ શકે
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કોઈ રાહતનો નિર્ણય લે તેના પગલે ભાજપ શાસિત રાજ્યો પણ તેને અનુસરવા લાગતા હોય છે. પરંતુ 21 મેએ કેન્દ્રએ ડ્યૂટી ઘટાડી તો પણ ગુજરાત સરકારે હજુ સુધી પેટ્રોલ-ડિઝલ પર કર ઘટાડો કર્યો ન હોવાનું ‘સૂચક’ છે. અગાઉ 2021ની દિવાળીના દિવસોમાં ડ્યૂટી ઘટી ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વેટ્મા ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી ગુજરાત સરકાર પણ ભાવ ઘટાડો કરવા મથામણ કરી રહી છે, જેના અનુસંધાને વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલમાં રૂ. 2-3ની વધારાની રાહત આપી શકે છે.
વેટ ઘટે તો પણ રાજકોષીય ગણિત નહીં બગડે
SBIની ગણતરી દર્શાવે છે કે ડીઝલ પરના વેટમાં દર 1 રૂપિયાનો ઘટાડો રાજ્યોને આશરે રૂ. 9,500 કરોડની ખોટ તરફ દોરી જાય છે અને પેટ્રોલ પરના વેટમાં પ્રત્યેક રૂ. 1ના કાપથી સરેરાશ રૂ. 4,500 કરોડનું નુકસાન થાય છે. આમ, રાજ્યો હજુ પણ તેમના રાજકોષીય ગણિતને ખલેલ પહોંચાડ્યા વિના ડીઝલના ભાવમાં સરેરાશ રૂ. 2 અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3 સુધીનો ઘટાડો કરી શકે છે.
પ્રધાનમંત્રીએ પણ વેટ ઘટાડવા ટકોર કરી હતી
એપ્રિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પરનો સ્થાનિક ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું. જેથી વધતાં જતાં ભાવ સામે આમ નાગરિકોને રાહત મળે. જોકે, ગત નવેમ્બરમાં કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી ત્યારે ભાજપ શાસિત રાજ્યોએ તાત્કાલિક અસરથી વેટમાં પણ ઘટાડો કર્યો હતો. તેનાથી વિપરીત નોન-બીજેપી રાજ્યોની સરકારો આવું કરવામાં કા તો વિલંબ કરે છે અથવા ટેક્સ ઘટાડતી નથી. જોકે આ વખતે હજુ સુધી ગુજરાતે વેટમાં ઘટાડો કર્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).