Home Religion ડીસા ઓવરબ્રિજ પર અકસ્માત; ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં ડ્રાઈવર-ક્લિનરના મોત,...

ડીસા ઓવરબ્રિજ પર અકસ્માત; ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં ડ્રાઈવર-ક્લિનરના મોત, ક્રેઈનથી બહાર કઢાઈ લાશો, બંને ગાડીના કેબિનનો કચ્ચરઘાણ!

Face Of Nation 31-05-2022 : બનાસકાંઠામાં આજે ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ એવા ડીસા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં આવી રહેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકોનાં ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતગ્રસ્ત ટ્રેલરમાંથી ડીસા પોલીસે પાંચ કલાક સુધી ક્રેઇનની મદદથી રાહત કામગીરી કરી ફસાયેલી લાશને બહાર કાઢી હતી.
પથ્થર-કેબીન વચ્ચે ફસાતાં ચાલક-ક્લીનરનું મોત
ડીસામાં એલિવેટેડ બ્રિજ પર આજે મંગળવારે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તરફથી આવી રહેલું પથ્થર ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે ધાનેરા તરફથી આવી રહેલી જીરૂ અને ઇસબગુલ ભરેલી ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રેલરમાં પથ્થર અને કેબીન વચ્ચે ફસાઇ જતાં ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા બે લોકોને નાની મોટી ઇજા થતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
પોલીસે સતત 5 કલાક રાહત કામગીરી કરી
બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સતત 5 કલાક સુધી ક્રેઇનની મદદથી રાહત કામગીરી કરી ટ્રેલરના કેબીનમાં ફસાયેલી લાશને બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).