Face Of Nation:દરેક આસ્તિકના જીવનમાં ગુરુનો મહિમા ન્યારો છે. સાચા ગુરુ જીવનમાં ફેલાયેલા અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. આવા ગુરુએ આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી ભવસાગર પાર કરી શકાય છે. વિશ્વમાં ભારતને જગતગુરુનું બિરૂદ અપાવવામાં જેમનું મોટું યોગદાન રહેલું છે એવા વેદ-પુરાણોના રચયિતા જ્ઞાનના અતુલ ભંડાર એવા ઋષિમુનિ શ્રી વેદ વ્યાસજીના નામ ઉપરથી પૂર્ણિમાનું નામ પડ્યું તે વ્યાસ પૂર્ણિમા. આજેય ભારતવર્ષમાં ગુરુપૂર્ણિમા તરીકે અષાઢ સુદ પૂનમને ઊજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ વિશેષ રૂપે ગુરુને સમર્પિત દિવસ છે. ગુરુ શબ્દમાં ‘ગુ’ અક્ષર અંધકાર અને ‘રુ’ અક્ષર પ્રકાશના સૂચક છે. ગુરુત્વ અજ્ઞાનરૂપી અંધકારથી જ જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર બ્રહ્માંડના બ્રહ્મત્વનું રહસ્ય છે જે શિષ્યની સંજીવની છે. ગુરુ પરનો વિશ્વાસ – શ્રદ્ધા ડગલેને પગલે માર્ગદર્શનથી શિષ્યમાં સારી વૃત્તિનો સંચાર કરાવી શિખરે પહોંચાડી સિદ્ધિઓનો સ્વામી બનાવે છે. મનુષ્યના જીવનમાં ભગવાન જેટલું જ મહત્વ ગુરુનું છે.
સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘પુસ્તકિયા જ્ઞાનથી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે, એક જ્યોત દ્વારા જ અન્ય જ્યોત પ્રગટી શકે,કારણ કે અધ્યાત્મવિદ્યા માટે આપણી સાધારણ બુદ્ધિ કામમાં નથી આવતી. તે માટે તો શુદ્ધ બુદ્ધિ, અત્યંત સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા હોય છે. આવી બુદ્ધિ તર્ક દ્વારા પ્રાપ્ત નથી થતી એ તો ગુરુજનોના સત્સંગથી જ પ્રાપ્ત થાય છે.સદગુરુ શિષ્યને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તેની મોહનિદ્રા ભંગ કરી તેના લક્ષ્યની યાદ દેવડાવે છે. તે આત્મદર્શન માટેની સાધનામાં તેને પ્રવૃત્ત કરે છે. ગુરુ શિષ્યને સાધનાનો માર્ગ દેખાડે છે. માર્ગમાં આવતી બાધાઓને પહોંચી વળવાના ઉપાયો બતાવે છે. માટે દરેકના જીવનમાં ગુરુની આવશ્યકતા છે.