Home Uncategorized ધો-12 સામાન્ય પ્રવાહના 86.91% પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ડાંગનું સૌથી ઊંચું...

ધો-12 સામાન્ય પ્રવાહના 86.91% પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ડાંગનું સૌથી ઊંચું તો વડોદરાનું સૌથી ઓછું પરિણામ, 1064 સ્કૂલમાં 100% પરિણામ!

Face Of Nation 04-06-2022 : ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે. જોકે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યારસુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.
1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું
આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે, જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
અમદાવાદ શહેરનું 79.87, ગ્રામ્યમાંનું 81.92% પરિણામ
અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.
રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા રિઝલ્ટ છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતાં શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થી, B2માં 4876 વિદ્યાર્થી, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થી, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થી, D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થી અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરતનું સારું પરિણામ આવતાં વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે, જેમાં અમને સારી એવી સફળતા મળી છે, તેથી અમે આ પરિણામને વધાવતાં ગરબા કર્યા છે
વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ
વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).