Face Of Nation:મુંબઈના ડોંગરીમાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે બપોરે 30 વર્ષ જૂની ઈમારત જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઈ ગઈ હતી. ટંડેલ ગલીમાં આવેલી કૌસરબાગ નામની ચાર માળની આ ઈમારતનો એક હિસ્સો જર્જરિત થઈ ગયો હતો. હાલમાં જ ત્યાં રહેતા લોકોએ તેને બીજી વાર બનાવવા એનઓસી લીધું હતું, પરંતુ કામ શરૂ થતાં પહેલા જ તે પડી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત નીપજ્યા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા છે. ભોગ બનેલામાં ગુજરાતના ઉનાના બે રહેવાસીનો પણ સમાવેશ થાય છે. ઇમારતમાં 15 પરિવાર રહેતા હતા. સ્થાનિક તંત્રના જણાવ્યાનુસાર, કાટમાળમાં 40 લોકો દબાયા હોવાની શંકા છે. ધરાશાયી થઈ ગયેલી ઈમારત સાથેની બીજી પણ એક ઈમારત જર્જરિત હાલતમાં છે, તેને પણ ખાલી કરાવાઈ છે. અહીંથી તમામને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે.મુંબઈને ભારતની આર્થિક રાજધાની અને સુરક્ષિત શહેર કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા સાડા પાંચ વર્ષમાં મુંબઈમાં ઇમારતો તૂટી પડવાની 2704 ઘટના થઈ જેમાં 234 લોકોને જીવ ગુમાવવો પડ્યો. જ્યારે 840 લોકો ઘાયલ થયા હતા.