Face Of Nation 06-06-2022 : ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27મી ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક 7વાર તારીખ પાડી પહોંચી અને દિવસની સંખ્યા 100 થઈ. પરંતુ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શક્યા નથી અને કંઈ પાર્ટીમાં જોડાશે તેના કોઈ ઠેકાણા નથી. નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ પહેલા જ રાજનીતિ રમતા હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.
સૌપ્રથમ વખત 27મી ફેબ્રુઆરીએ જાહેરાત કરી
આજથી સાડાત્રણ મહિના પહેલાં સૌપ્રથમ વખત 27મી ફેબ્રુઆરીના રોજ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, હું સમાજને રાજકારણમાં જોડાવું કે નહીં તે પૂછીને નિર્ણય કરીશ. રાજકારણમાં જોડાવવા અંગે 20થી 30મી માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરીશ. ત્યારબાદ સમાજ સાથે મિટિંગ કરીને તેમણે ફરી મીડિયાને કહ્યું હતું કે, 27મી એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે, એ બાદ હું મારો નિર્ણય જાહેર કરીશ. આ બેઠક પૂર્ણ થયા બાદ ફરી મીડિયાને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું 15મી મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. બાદમાં મીડિયા સાથે ગેટ ટુ ગેધરમાં પણ 31મી મેના રોજ જાહેરાત કરીશ એવું જણાવ્યું હતું. હવે લાંબુ ખેંચવું નથી કહીને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરીશ તેમ કહી વધુ એક તારીખ પાડી છે. છતાં આજ સુધી તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી.
રાજકારણમાં જવાની પોતે જ વાત વહેતી કરીને ફસાયા!
સમાજ કહેશે તો રાજકારણમાં જઈશ તેમ કહીને નરેશ પટેલ જ વાત વહેતી મુકી હતી. પરંતુ, લાંબો સમય વિતવા છતાં હજુ તેઓ નિર્ણય લેવાની સ્થિતિએ પહોંચ્યા નથી. આ દરમિયાન એવી ચર્ચા પણ થવા લાગી છે કે, ઉપરા ઉપરી સમય આપતા નરેશભાઈ છેલ્લે રાજકારણમાં જોડાવાનું જ માંડી વાળે. ઉલ્લેખનીય છે કે હાલ સર્વપક્ષો તેમને ખોડલધામના ચેરમેન તરીકે સન્માન આપતા રહ્યા છે.
આટકોટમાં નરેશ પટેલની ગેરહાજરી
નરેન્દ્ર મોદીએ આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું ત્યારે નરેશ પટેલની હાજરી નહોતી. હોસ્પિટલ પાટીદાર સમાજના અગ્રણીઓએ બનાવી છે છતાં પાટીદારના મોટા ચહેરા તરીકે નરેશ પટેલ આવ્યા નહીં. નરેશ પટેલે આ દિવસે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું અને ત્યાં પણ પાટીદારો એકઠા કરવાની વાત સામે આવી હતી. એક રીતે જોઈએ તો પાટીદારોમાં પણ દ્વિધા ઊભી થઈ હતી. મોદીથી દૂરી બનાવી નરેશ પટેલે ભાજપથી દૂર રહેવાનો જાણે સંકેત આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બહાનાં પર બહાનાં કાઢ્યાં, પણ નક્કી નથી કરી શક્યા
નરેશ પટેલે રાજકારણમાં જોડાવું કે નહીં એ અંગેનો નિર્ણય જાહેર કરવા પહેલા માર્ચ મહિના અંત સુધીનું કહ્યું હતું. બાદમાં સમાજનો સરવે ચાલી રહ્યો છે એવું જણાવી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં નિર્ણય જાહેર કરવા જણાવ્યું હતું. બાદમાં સરવે પૂરો થયો નથી એવું જણાવી મે મહિનાના અંતમાં પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. બાદમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય એવો નિર્ણય જાહેર કરતાં નરેશ પટેલનું પણ કોકડું વધારે ગૂંચવાયું છે. હવે નરેશ પટેલ સીધો પોતાનો નિર્ણય જાહેર કરશે એવું જણાવી રહ્યા છે.
સોનિયા કે પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્ર આવી પ્રચાર કરશે
જો નરેશ પટેલનું કોંગ્રેસમાં ગોઠવાઈ જશે તો જૂનના ત્રીજા અઠવાડિયામાં જ રાજકોટમાં ભવ્ય સભા યોજાશે. કોંગ્રેસે ગુજરાતમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર લેવલની કારોબારી યોજી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ સમયે જ કોંગ્રેસનેતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 15મી જૂન આસપાસ સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્ર આવી પ્રચાર કરશે. આ જ સમયે જો કોંગ્રેસ અને નરેશ પટેલની શરતો ગોઠવાય જશે તો રાજકોટમાં જ ભવ્ય સભા સાથે નરેશ પટેલની કોંગ્રેસમાં હાઇકમાન્ડના હાથે ખેસ પહેરી એન્ટ્રી થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).