Home Politics મંચ એક હતું, પણ બંને વચ્ચે ‘રંગ’ અલગ; રાજકોટમાં પાટિલે કેસરી અને...

મંચ એક હતું, પણ બંને વચ્ચે ‘રંગ’ અલગ; રાજકોટમાં પાટિલે કેસરી અને નરેશે સફેદ પાઘડી પહેરી, પાટીલ કર્યો કટાક્ષ- ‘ટોપી પહેરજો, કોઈને પહેરાવતા નહીં’!

Face Of Nation 07-06-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખાસ કરીને પાટીદાર સમીકરણો ભાજપે અંકે કરી લીધા હોય એવા સંકેત છે. ખાસ કરીને હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને નોન ઈવેન્ટ બનાવી દીધા બાદ હવે નરેશ પટેલ ફેક્ટર પણ એ બાજુ જ જઈ રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટ આવીને આ સંકેત આપી દીધા હતા. બે અલગ અલગ કાર્યક્રમમાં પાટીદાર નેતા નરેશ પટેલ રૂબરૂ થયા, પણ બન્નેની બોડી લેંગ્વેજ એ દર્શાવતી હતી કે આગામી સમયમાં ચેરમેન કોઈ નાટયાત્મક પગલું લેશે નહીં. જોકે નરેશ પટેલના માથે ભગવા રંગની પાઘડી નહોતી, પરંતુ તેણે સફેદ પહેરી. જ્યારે પાટીલના માથે ભગવા રંગની પાઘડી હતી. આમ, મંચ એક હતું, પણ બંને વચ્ચે ‘રંગ’ અલગ જોવા મળ્યો હતો. પાટીલે કાર્યકર્તાઓને કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીની ટોપી પહેરજો, પણ કોઈને પહેરાવતા નહીં.
કાર્યકર્તાઓને કહ્યું- ટોપી પહેરજો, પણ પહેરાવતા નહીં
રાજકોટ આવેલા પાટીલે ખાસ રાજકોટમાં શહેર ભાજપના અપેક્ષિત કાર્યકર્તા સાથે મુક્ત મને સંવાદ કર્યો હતો. આ સમયે સૌને ભાજપની નવી ભગવા રંગની ટોપી પહેરાવવાનો આગ્રહ રાખ્યો અને તેમણે એમ પણ કહ્યું હતું કે ટોપી પહેરજો, પણ પહેરાવતા નહીં. આમ કહીને તેમએ હાસ્ય ફેલાવી દીધું હતું. આ ઉપરાંત તેમણે ખાસ ભ્રષ્ટાચારનો મુદો છેડતાં અધિકારીઓ કે પક્ષના કોઈ નેતા ભ્રષ્ટાચાર કરતા હોય, ફાઈલો ફેરવતા હોય તો એની મને સીધી જાણ કરવા કહ્યું હતું. આ અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એવી પણ ખાતરી આપી હતી. આમ હવે પક્ષમાં જ પાટીલનું એન્ટી કરપ્શન બ્યૂરો શરૂ થઈ ગયું છે.
પાટીલ અને નરેશ પટેલે સાથે ફોટોસેશન કર્યું
જિમના ઉદઘાટનમાં પાટીલ અને નરેશ પટેલ વચ્ચે ભાગ્યે જ આંખ મિલાવીને વાત થઈ હતી. બાદમાં વોર્ડ નં. 6ના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડિયાના ટ્રસ્ટ હેઠળના સમૂહલગ્નમાં બન્નેએ ફોટોસેશન કર્યું. અહીં પણ પાટીલ નરેશ પટેલને મળ્યા, પણ બન્ને વચ્ચે બોડી લેંગ્વેજ અલગ જ દેખાઈ હતી. બન્નેમાંથી કોઈએ મેસેજ આપ્યો નહીં અને આયોજકોએ પાટીલને ભગવા તથા નરેશ પટેલ માટે સફેદ પાઘડી તૈયાર રાખી હતી. બાદમાં ભાજપના જ નેતાઓ સાથે ફોટોસેશન થયું, પણ હવે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશમાં વધુ એક મુદત પડી છે, જે છેક માર્ચ મહિનાથી ચાલી આવે છે. આમ, આ એક એપિસોડનો અંત આવ્યો હોય એવી ચર્ચા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).