Face Of Nation 08-06-2022 : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ બાબતમાં મુંબઈ પોલીસે અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે. હવે આ કેસમાં પોલીસે સલમાનનું નિવેદન પણ લીધું છે. પોલીસને આપેલા નિવેદનમાં સલમાને ધમકી મળી હોવાની વાતની ના પાડી હતી. તેણે કહ્યું હતું, ‘મારી કોઈની સાથે દુશ્મની નથી અને મને કોઈએ ધમકી આપી નથી.’ તો બીજીતરફ બાંદ્રા પોલીસને નિવેદન આપીને સલમાન ખાન અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જતો રહ્યો હતો. અહીંયા તે 25 દિવસ શૂટિંગ કરશે. સલમાન હૈદરાબાદ આવે તે પહેલાં બૉડીગાર્ડ શેરા અને તેની ટીમ પહેલાં પહોંચી ગઈ હતી.
પત્રના અંતે GB તથા LB લખ્યું હતું
મુંબઈ પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે સલમાનને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રના અંતે GB તથા LB લખ્યું હતું. આનો અર્થ ગોલ્ડી બરાડ તથા લોરેન્સ બિશ્નોઈ થઈ શકે છે. જોકે, આ પત્ર બિશ્નોઈ ગેંગે જ આપ્યો છે કે પછી કોઈએ મજાક કરી છે તે વાત હજી સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી.
બહુ જલ્દી તમારી હાલત મૂસેવાલા જેવી થશે : પત્ર
સલમાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. વૉક બાદ સલીમ ખાન જે જગ્યા પર બેસે છે, ત્યાંથી ગાર્ડને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું, ‘સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.’ પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામેલ હોવાની વાત સામે આવી છે. કાળિયાર હરણ કેસ બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મને કોઈનો ફોન આવ્યો નથી : સલમાન
રિપોર્ટ પ્રમાણે, બાંદ્રા પોલીસે સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ તથા લોરેન્સ બિશ્નોઈ અંગે સવાલ કર્યા હતાં. સલમાને કહ્યું હતું કે ધમકીભર્યા પત્ર અંગે તેને કોઈની પર શંકા નથી. આજકાલ તેની કોઈની સાથે દુશ્મની નથી. લોરેન્સ અંગે 2018માં સાંભળ્યું હતું, કારણ કે તે સમયે તેણે ધમકી આપી હતી. જોકે, તે ગોલ્ડી અને લોરેન્સને ઓળખતો નથી. તો બીજીતરફ ધમકી અંગે વાત કરતાં પોલીસને જણાવ્યું હતું કે હાલમાં તેનો કોઈની સાથે ઝઘડો થયો નથી અને બોલાચાલી પણ થઈ નથી. તેને ધમકીભર્યો મેસેજ કે, ફોન આવ્યો નથી. પત્ર પણ તેને નહીં, પરંતુ તેના પિતાને મળ્યો હતો. તેના પિતા મોર્નિંગ વૉક પર ગયા ત્યારે પત્ર મળ્યો હતો.
મુંબઈ પોલીસે આઠ ટીમ દ્વારા સઘન તપાસ
મુંબઈ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. 8 ટીમ તપાસ કરી રહી છે. બાંદ્રા વિસ્તારના 200 CCTV ફુટેજની તપાસ કર્યા બાદ કેટલાંક શંકાસ્પદોની જાણ થઈ છે, પરંતુ પોલીસે એકની પણ ધરપકડ કરી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).