https://youtu.be/_qVanxuIJBo
Face Of Nation 10-06-2022 : ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
લાલ દરવાજા-ત્રણ દરવાજામાં બજારો બંધ રહ્યા
મોહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાબજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી.
સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો
આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. જોકે પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.
મિર્ઝાપુરમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું
અમદાવાદના મિર્ઝાપુર ત્રણ રસ્તા પાસે નૂપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું હતું. જે બાદ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન સહિત ઝોન-2 ડીસીપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી રહ્યા છે. સેકટર 1 જેસીપી આર.વી અંસારીએ મિર્ઝાપુર પહોંચી અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું લોકોને સમજાવી અને ઘરમાં જવા માટે સૂચના આપી હતી.
ગુરુવારથી અમદાવાદમાં બંધ રાખવાના મેસેજ વાઈરલ
સૂત્રો મુજબ, ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરાયા હતા, જેને પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજાવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.
ઢાલગરવાડનું બજાર બંધ જોવા મળ્યું
જોકે આજે બજાર ખૂલ્યાના બે કલાકમાં જ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઢાલગરવાડ આજે બંધ જોવા મળ્યું હતું. એકપણ દુકાન ખુલ્લી જોવા મળી ન હતી. કેટલાક પાથરણાબજારના વેપારીઓએ બજાર ચાલુ રાખ્યું હતું, પરંતુ પટવા શેરીના આસપાસનાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ આવી એને બંધ કરાવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. 10મી જૂનના રોજ બંધના એલાનના મેસેજ વાઇરલ થતાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો અને મૌલાનાને બોલાવીને લોકોને આવા બંધના મેસેજ પર ધ્યાન ન આપવા સમજાવ્યા હતા.
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં બંધ પાળ્યો
મુસ્લિમ આગેવાનો અને મૌલાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 10મી જૂનના બંધના મેસેજ ફોટા વાઇરલ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો બંધનો મેસેજ કોઈ જમાત કે અમારા દ્વારા આપવામાં આવ્યો નથી. લોકોએ આવા મેસેજ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને પોતાના વેપારધંધા પર ધ્યાન આપવું જોઈએ, એવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની સમજાવટ અને મુસ્લિમ આગેવાનોના બંધના એલાન પર ધ્યાન ન આપવાનું કહેવા છતાં પણ આજે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).