Face Of Nation 12-06-2022 : ભાજપના પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન બાદ સમગ્ર ભારતમાં તોફાનો ફાટી નીકળ્યા છે. પહેલા નિવેદન પછી વિરોધ કે જે તોફાનોમાં તબદીલ થયો અને હવે આ તોફાનો હિન્દૂ મુસ્લિમ કોમી તરફ જઈ રહ્યા છે. રાંચીમાં હિન્દૂ મંદિરો ઉપર પથ્થરમારો કર્યા બાદ હિન્દુઓ પણ વિરોધમાં ઉતર્યા છે. સમગ્ર માહોલ જોતા ગુજરાતના ગોધરા રમખાણોની યાદ તાજી થઇ જાય છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરાકાંડ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં હિન્દૂ મુસ્લિમના કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં પ્રજાએ ઘણું સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે હાલની સ્થિતિ જોતા એવો પ્રશ્ન ચોક્કસ થાય કે શું ફરીથી ભારત ગુજરાતના માર્ગે જઈ રહ્યું છે ? એટલે કે શું ફરીથી ભારત ગોધરાકાંડના રમખાણોને રસ્તે આગળ વધી રહ્યું છે ?
ગુજરાતના ગોધરાકાંડ અને ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનોમાં પ્રજાને નુકસાન થયું છે. કોઈ જીવ તો કોઈએ પોતાના સ્વજનો તો કોઈએ પોતાના ધંધા રોજગાર ગુમાવ્યા છે તેવામાં એ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે અત્યંત જરૂરી છે. યુપીમાં થયેલી હિંસા બાદ પોલીસે તોફાનીઓને મારતો વિડીયો વાયરલ કર્યો જેના કારણે બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ પેદા થઇ. પોલીસની જવાબદારી છે કાયદો અને પરિસ્થિતિનું ધ્યાન રાખવાની નહીં કે તેમાં વધારો કરવાની. ખેર ! હાલની રાજકીય પરિસ્થિતિ જોતા એક પ્રશ્ન એવો પણ થાય છે કે, આ રાજકીય રમત છે કે રમખાણોની રાજનીતિ છે ? રમખાણોમાં ક્યારેય કોઈ નેતાઓને કે તેમની રાજનીતિને નુકસાન થતું નથી. હંમેશા માનવતાને નુકસાન થાય છે અને માનવતા જ મરે છે. ગોધરા રમખાણ તેનું ઉત્તમ ઉદાહરણ પણ છે. આ રમખાણોએ રાજકીય લોકોને ઈચ્છાઓ પાર પાડી અને અનેક ઘરને વિનાશ તરફ ધકેલી દીધા. માનવ જ માનવતાનો દુશમન બનીને તે સમયે સામે આવ્યો હતો. તે સમયે અનેક માનવતા નેવે મૂકી રુવાડા ઉભી કરે તેવી ઘટનાઓ બની અને સત્તાએ રીતસર છૂટોદોર મૂકી દીધો હોય તેવું પણ લાગ્યું. જો કે આજદિન સુધી ગોધરા અને ત્યારબાદ થયેલા રમખાણોનું સત્ય કાયદેસર કાગળ ઉપર આવ્યું નથી.
ભારત આજે હિન્દૂ મુસ્લિમ કોમી રમખાણો તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના નેતાના એક નિવેદન બાદ વિરોધ ઉઠ્યો અને તે વિરોધ આજે કોમી રમખાણો તરફ તબદીલ થઇ રહ્યો છે. જે નેતાએ નિવેદન કર્યું તેને પોલીસ રક્ષણની સાથે ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે અને માણસ માણસાઈનો દુશમન બનીને રસ્તા ઉપર ઉતરી પડ્યો છે. નેતાઓની બેફામ નિવેદન બાજી હંમેશા પ્રજામાં ભાગલા અને તોફાનો પેદા થાય તેવી સ્થિતિનું નિર્માણ કરાવે છે. જો કે તે નેતાથી વધુ ગુનો એ પ્રજાનો હોય છે કે જેઓ આવા નેતાઓના નિવેદનોને લઈને સામસામે રમખાણો અને તોફાનો કરવા રસ્તે ઉતરી પડે છે. નેતાપ બેફામ બોલે તો તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કે દેખાવો કરવા એ ઉપાય નથી. જો તમારે તે નેતા વિરુદ્ધ રોષ જ ઠાલવવો હોય તો દર પાંચ વર્ષે જનતાને તેમના પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળે છે તે સમયે તે નેતાને ઘરે બેસાડીને જનશક્તિનો પરચો દેખાડી શકાય છે અને સૌને ખબર છે કે, નેતા પાસેથી નેતાગીરી છીનવી લેવામાં આવે એટલે તે માનસિક રીતે ભાંગી પડે છે. આમ કરવાથી પ્રજા પ્રજા વચ્ચે નુકસાન પણ થતું નથી અને જે તે નેતાઓને નિવેદનો થકી પ્રજાનો ઉપયોગ કરવાની છૂટછાટ પણ મળતી નથી. આમ કરવાથી દરેક નેતા તેમની લપસી ન જાય તેનું ખુબ જ ધ્યાન રાખતા પણ થઇ જાય છે.
દિવસે દિવસે વધતી જતી રમખાણોની પરિસ્થિતિ દેશને કે આવનારી યુવા પેઢીને નુકસાન સિવાય કશું આપવાની નથી. માણસ માણસની સામે થઈને માણસાઈની જ હત્યા કરી નાખશે તો વિકૃત માણસ જન્મ લેશે અને તે વિકૃતતા દેશને ખુબ જ નુકસાન પહોંચાડશે. ગમે તે જાતિનો વ્યક્તિ હોય પરંતુ સૌથી પહેલા તે માણસ છે અને દેશનો જવાબદાર નાગરિક છે. તે જે કરી રહ્યો છે તે યોગ્ય છે કે કેમ તેની સરખામણી તેને દેશ સાથે અને માણસાઈ સાથે કરવી અત્યંત જરૂરી છે. કોઈ નેતાના નિવેદનોથી સામસામે આવી જવું કે રસ્તા ઉપર ઉતરીને તોફાનો કરવા તે કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યાનું સમાધાન ક્યારેય રહ્યું નથી. જો તોફાનો અને રમખાણો જ તમામ પરિસ્થિતિનું સમાધાન હોત તો આજે કોઈ નેતા જાતિવાદ વિષે કે માણસો અંદરો અંદર ઝઘડી પડે તેવા નિવેદનો ક્યારેય કરતા ન હોત. દરેક લોકોએ આ વાત સમજવા જેવી છે કે, અત્યાર સુધી અનેક નેતાઓએ તેમના સ્વાર્થ સાધવા કે રાજનીતિ ષડયંત્ર રચવા પ્રજાનો ઉપયોગ કર્યો છે. તે ચાહે રમખાણથી હોય કે જાતિવાદના ભાગલાથી હોય. જ્યાં સુધી માણસ જાગૃત નહીં બને ત્યાં સુધી અનેક નેતાઓ જાતિવાદના ઝેર ઓકતા રહેશે અને લોકો અંદરો અંદર ઝઘડતા રહેશે. નેતાઓના નિવેદનો વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવવા લોકતંત્ર દરેક નાગરિકને મત રૂપી અધિકાર આપે છે. તો શા માટે ગેરકાયદે કામ કરીને નેતાઓ વિરુદ્ધ જવું ? તોફાનો અટકાવીને બુદ્ધિથી કામ લેવું અત્યંત જરૂરી અને અસરકારક સાબિત થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).