Home News પુરીમાં સ્નાન પૂર્ણિમા ઉત્સવ; આજથી ભગવાન જગન્નાથજીનો 15 દિવસ માટે એકાંતવાસ શરૂ,...

પુરીમાં સ્નાન પૂર્ણિમા ઉત્સવ; આજથી ભગવાન જગન્નાથજીનો 15 દિવસ માટે એકાંતવાસ શરૂ, આખા વર્ષમાં કૂવાના પાણીનો એક જ વાર ઉપયોગ થાય છે!

Face Of Nation 14-06-2022 : પુરીમાં રથયાત્રાના 15 દિવસ પહેલાં એટલે આજે ભગવાન જગન્નાથજીનું પૂર્ણિમા સ્નાન થયું છે. આ સ્નાન પછી ભગવાન લગભગ 15 દિવસ સુધી એકાંતવાસમાં રહે છે. આ મહત્ત્વપૂર્ણ ઉત્સવમાં સવારે જલ્દી પ્રતિમાઓને ગર્ભગૃહથી બહાર લાવીને સ્નાન મંડપમાં સ્નાન કરાવવામાં આવે છે. પછી આખો દિવસ ભગવાન ગર્ભગૃહથી બહાર જ રહેશે અને સાંજે શ્રૃગાર પછી 15 દિવસ માટે તેઓ એકાંતવાસમાં જતાં રહેશે. તે પછી ભગવાન જગન્નાથ પહેલી જુલાઈના રોજ રથયાત્રા માટે બહાર આવશે. ત્યાં સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે.
સુગંધિત જળ અને ઔષધિ સ્નાન
આજે બ્રહ્મ મુહૂર્તમાં મંત્રોચ્ચાર કરીને ભગવાનની મૂર્તિઓને ગર્ભગૃહથી સ્નાન મંડપમાં લાવવામાં આવી. તે પછી વૈદિક મંત્રો સાથે સ્નાન શરૂ થાય છે. જેમાં સુગંધિત જળથી ભરેલાં લગભગ 108 ઘડાથી ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને દેવી સુભદ્રાને સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન માટે જે ઘડામાં પાણી ભરવામાં આવે છે, તેમાં અનેક પ્રકારની ઔષધિઓ મિક્સ કરવામાં આવે છે. કસ્તૂરી, કેસર, ચંદન જેવા સુગંધિત દ્રવ્યોને પાણીમાં મિક્સ કરીને પાણી તૈયાર કરવામાં આવે છે. બધા જ ભગવાન માટે ઘડાની સંખ્યા નક્કી કરેલી હોય છે.
આખા વર્ષમાં એક જ વાર કુવાના પાણીનો ઉપયોગ થાય છે
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના પૂર્ણિમા સ્નાન માટે મંદિરમાં જ ઉત્તર દિશામાં આવેલાં કુવાનું પાણી લેવામાં આવે છે. આ કુવાનું પાણી વર્ષમાં માત્ર એક જ વાર જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાનના સ્નાન માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. કુવાને વર્ષમાં માત્ર આ જ દિવસે ખોલવામાં આવે છે. બસ એક દિવસ કુવામાંથી પાણી કાઢીને ફરીથી બંધ કરી દેવામાં આવે છે.
ભગવાન ઔષધિઓ અને સાદું ભોજન કરશે
માન્યતા છે કે પૂનમ સ્નાનમાં વધારે પાણીથી સ્નાન કરવાના કારણે ભગવાન બીમાર થઈ જાય છે. એટલે તેમને એકાંતમાં રાખીને ઔષધિઓનું સેવન કરાવવામાં આવે છે. આ દરમિયાન ભગવાનને સાદા ભોજનનો જ ભોગ ધરાવવામાં આવે છે. સાથે જ, 15 દિવસ માટે મંદિરમાં દર્શન બંધ કરાય છે. ભગવાનને માત્ર આરામ કરાવવામાં આવે છે. તે પછી ભગવાન સાજા થઈને રથયાત્રા માટે તૈયાર થાય છે. તો બીજીતરફ સાંજે ભગવાન બલભદ્ર અને જગન્નાથનો ગજશ્રૃંગાર કરાય છે. તેમાં ભગવાનના ચહેરાને હાથી જેમ સજાવવામાં આવે છે. કેમ કે, એકવાર ભગવાને અહીં આ જ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપ્યાં હતાં. તે પછી ભગવાનને ફરી ગર્ભગૃહમાં લઇ જવામાં આવશે.
પહેલી જુલાઈથી નવ દિવસની રથયાત્રા શરૂ થશે
લગભગ 15 દિવસ સુધી આરામ કર્યા પછી ભગવાન રથયાત્રા કાઢવામાં આવશે. જે અષાઢ સુદ પક્ષની બીજ તિથિએ હોય છે. આ તિથિ આ વખતે પહેલી જુલાઈના રોજ આવી રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્ર સાથે વિવિધ રથ ઉપર રવાના થાય છે. પછી 2 કિલોમીટર દૂર પોતાની માસીને ત્યાં, ગુંડિચા મંદિર પહોંચે છે. ત્યાં, ભગવાન સાત દિવસ સુધી આરામ કરે છે. તે પછી દશમ તિથિએ ભગવાન મુખ્ય મંદિર પાછા ફરે છે. જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).