Face Of Nation 15-06-2022 : ગુજરાતની ટ્રાન્સપોર્ટેશનની ધોરી નસ ગણાતી ગુજરાત એસ.ટી. આગામી દિવસમાં ભગવા રંગમાં દોડતી દેખાશે. હાલ અમદાવાદના નરોડામાં આવેલા એશિયાના સૌથી મોટા વર્કશોપમાં નવી બસો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રકારની અંદાજે 500થી વધુ બસ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ એસ.ટી. નિગમ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર 2×2 સીટર બસ પણ તૈયાર કરાશે. શરૂઆતમાં 2×2ની 300 બસ તૈયાર કરાશે.
નવી તૈયાર થનારી બસ ભગવા રંગની જોવા મળશે
ગુજરાત વાહનવ્યવહાર વિભાગ નરોડા સ્થિત વર્કશોપમાં નવી બસો તૈયાર કરી રહ્યો છે. બસનો રંગ, ગ્રાફિક્સ ઉપરાંત બેઠક વ્યવસ્થામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. આ બસની ખાસિયત એ છે કે બસ માટે ભગવો રંગ પસંદ કરાયો છે. હાલ રસ્તા પર જોવા મળતી એસ.ટી. નિગમની બસો સફેદ, બ્લૂ અને પીળા રંગની છે, જ્યારે નવી તૈયાર થનારી બસ ભગવા રંગની જોવા મળશે. એસ.ટી.નિગમની 2×3 સીટિંગ બસના રંગ અને ગ્રાફિક્સમાં છેલ્લે વર્ષ 2018માં બદલાવ થયો હતો. એ બાદ હવે એસ.ટી. બસની કાયાપલટ કરવામાં આવી રહી છે.
પ્રવાસીઓને આકર્ષવા લુક બદલ્યો
એસ.ટી નિગમના મેનેજિંગ ડિરેક્ટર MA ગાંધીએ જણાવ્યું હતું કે, નવી તૈયાર થનારી બસની સૌથી મોટી ખાસિયત એ છે કે પ્રવાસીઓને આકર્ષવા માટે ઓવરઓલ લુકને બદલી વધુ આકર્ષક કરવામાં આવ્યો છે. એસટી નિગમ પ્રવાસીઓને વધુ સારી સેવા આપવા માટે કટિબદ્ધ છે, જેથી નવી સુવિધાઓ આપતું રહેશે.
સ્વચ્છતા જાળવવા લાકડા પર મેટ પાથરવામાં આવી
BS-6 પ્રકારના એન્જિનની કેસરી બસમાં બંને સીટ વચ્ચે પ્રર્યાપ્ત માત્રામાં અંતર રાખવામાં આવ્યું છે, એટલે કે લેગ સ્પેસ પણ આપવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ પોતાના પગ સરળતાથી નીચે મૂકી શકે એ માટેની વ્યવસ્થા છે. સામાન્ય રીતે હાલ તૈયાર થતી બસોના ફ્લોરિંગમાં માત્ર લાકડાની ડિઝાઇન જોવા મળતી હતી, પરંતુ સ્વચ્છતા જાળવવા અને આકર્ષક બનાવવા નવી બસોમાં આ લાકડા પર મેટ પાથરવામાં આવી છે. બસની મહત્ત્વપૂર્ણ ખાસિયત એ પણ છે કે ઇન્ટીરિયર માટે ACP સીટ વાપરવામાં આવી છે, જે બસના દેખાવને વધુ સુંદર બનાવે છે.
પહેલીવાર 2×2 બેઠક વ્યવસ્થા ધરાવતી બસ તૈયાર
એસ.ટી.નિગમ 2×3ની સાથે હવે પહેલીવાર 2×2 બેઠક વ્યવસ્થા ધરાવતી બસ તૈયાર કરશે. 42 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતી આ બસ બનાવવાની કામગીરી પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે. દરેક સીટ માટે રીડિંગ લાઈટ, જેથી રાતના સમયે યાત્રિકો પોતાની બેઠક પર જ વાંચન કરી શકશે. તો બીજીતરફ 2 × 2 પ્રકારની બસમાં સ્લાઈડિંગ વિન્ડો પણ પહોળી હશે, જેથી પર્યાપ્ત વેન્ટિલેશન મળી રહેશે. શરૂઆતના તબક્કામાં 300 જેટલી બસ તૈયાર કરવામાં આવશે. યાત્રિકોને પ્રવાસ માટે વધુ સુવિધા અને વિકલ્પો મળી રહે અને ખાનગી બસની જગ્યાએ નિગમની બસ આ લોકો આકર્ષાય એ માટેનો પ્રયાસ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).