Home Gujarat આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ; ગુજરાતના “સવા કરોડ લોકો શિવરાજપુર બીચ સહિત 75...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ; ગુજરાતના “સવા કરોડ લોકો શિવરાજપુર બીચ સહિત 75 આઇકોનિક” સ્થળોએ કરશે યોગ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે?

Face Of Nation 16-06-2022 : આગામી 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામા આવશે. ત્યારે ગુજરાતમાં પણ આ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અંદાજે સવા કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વખતે યોગ દિવસની થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’ ‘માનવતા માટે યોગ’ રાખવામા આવી છે. યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાવાનો છે. પ્રધાનમંત્રી મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચુઅલ ઉપસ્થિત રહી સંબોધન કરશે. તેનું પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે.
75 આઇકોનીક સ્થળોએ યોગ દિવસ ઉજવાશે
આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે. મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થશે. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.
યોગને પ્રવાસન સાથે જોડવામાં આવશે
રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે.આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ,આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).