Face Of Nation 16-06-2022 : આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે રમાનારા ટી-20 મેચને નિહાળવા માટે ક્રિકેટ રસિકો તો આતૂર બની જ ગયા છે. સાથે સાથે બન્ને ટીમના ક્રિકેટરો પણ આ મેચને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારત-આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરીઝનો ચોથી મેચ રમવાની છે. ત્યારે રાજકોટમાં રમાનાર મેચ સતત ત્રીજી વખત ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થશે. કારણ કે આગળની એક ટી-20 મેચ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. જેમાં 2019માં શ્રેણીમાં જીવંત રહેવા માટે ભારતે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી.
ભારત આ મેચ જીતવા એડીચોટીનું જોર લગાવશે
ભારત-આફ્રિકા વચ્ચે 5 મેચની સિરીઝમાં ચોથી મેચ આગામી 17મી જૂન 2022ના રોજ રાજકોટ ખાતે રમાવાની છે ત્યારે આ મેચ પણ ટર્નિંગ મેચ સાબિત થશે. કારણ કે, 5 મેચની શ્રેણીમાં સાઉથ આફ્રિકા 2-1થી આગળ છે. રાજકોટમાં બન્ને વચ્ચે ચોથી મેચ રમાનાર છે ત્યારે તેને જીતીને આફ્રિકા શ્રેણી ઉપર કબ્જો કરવા મહેનત કરશે તો ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત મેળવીને શ્રેણીમાં ‘જીવંત’ રહેવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. જો ભારત આ મેચ જીતી જાય તો શ્રેણી 2-2થી સરભર થયા બાદ બેંગ્લોરમાં 19મી જૂને રમાનારો મુકાબલો બન્ને ટીમો માટે ‘ફાઈનલ’ બની જશે.
2017માં ન્યુઝિલેન્ડ સાથે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું
રાજકોટના SCA સ્ટેડિયમ પર 4મી નવેમ્બર 2017માં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાઇ હતી. આ મેચ ભારત માટે નહીં પરંતુ ન્યુઝીલેન્ડ માટે જીતવી ફરજિયાત બની ગઈ હતી. કારણ કે દિલ્હીમાં બન્ને વચ્ચે રમાયેલી પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એટલા માટે ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ કે જે રાજકોટમાં રમાઈ હતી તે ન્યુઝીલેન્ડ હારી જાય તો શ્રેણી હાથમાંથી જતી રહે તેમ હોવાથી તેણે આ મેચ જીતવા માટે પૂરી તાકાત લગાવી હતી, જીત હાંસલ કરી હતી. રાજકોટમાં મેચ જીત્યા બાદ શ્રેણી 1-1થી સરભર થઈ હતી. જોકે ત્યારપછી ત્રીજી ટી-20 કે જે તિરુવનંતપુરમમાં રમાઈ હતી તે જીતીને ભારતે શ્રેણી ઉપર 2-1થી કબ્જો કર્યો હતો.
2019માં બાંગ્લાદેશ સામે ભારતે જીત મેળવી હતી
આ પછી 7 નવેમ્બર 2019માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજકોટમાં ટક્કર થઈ હતી. જેમાં જીત મેળવવી ભારત માટે જરૂરી બની ગઈ હતી. કારણ કે દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચ બાંગ્લાદેશે જીતી હોવાથી જો રાજકોટની મેચમાં ભારત હારી ગયું હોત તો શ્રેણી પરાજય થઈ શકે તેમ હતી. પરંતુ ભારતે આ મેચમાં શાનદાર 8 વિકેટે જીત મેળવી હતી અને પછી નાગપુરની ત્રીજી અને અંતિમ મેચ જીતી ભારતે શ્રેણીમાં વિજય મેળવ્યો હતો.
પહેલી ટી-20 મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી
ઉલ્લેખનીય છે કે, SCA સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ અહીં સૌથી પહેલી ટી-20 મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 10મી ઓક્ટોબર-2013માં રમાઈ હતી. જોકે તે શ્રેણીની પહેલી જ મેચ હતી અને તેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આ જીતનો હીરો યુવરાજસિંઘ રહ્યો હતો. જેણે એકલા હાથે 35 બોલમાં 77 રન ફટકારી ટીમને જીતાડી દીધી હતી. આ પછી રાજકોટમાં બે ટી-20 મેચ રમાઈ હતી જેમાં એકમાં ભારત જીત્યું હતું તો એકમાં પરાજય થયો હતો. એકંદરે અત્યાર સુધી રમાયેલી ત્રણ ટી-20માં ભારતે બે મેચ જીતી છે તો એકમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).