Face Of Nation 18-06-2022 : દાહોદ જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સરકારી તબીબે જ નોર્મલ ડીલેવરી કરાવી હતી. ત્યારે હાલ બાળકો અને માતા સ્વસ્થ્ય છે. ત્રણ બાળકોમાં એેક પુત્રી અને બે પુત્રનો સમાવેશ થાય છે.
લલિતાબેને એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો
લીમખેડા તાલુકાના મોટા હાથી ધરા ગામના લલિતાબેન નરેશભાઇ ડામોર સગર્ભા હતા અને તેમને પ્રસવની પીડા ઉપડતાં લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમ.બી.બી.એસ તબીબ ડો.ગૌરાંગ ચોટલિયા અને સ્ટાફ બ્રધર મુકેશ પટેલ હાજર હતા. તેઓએ લલિતાબેનને ઓપરેશન કર્યા વિના પ્રસુતિ કરાવી હતી. લલિતાબેને એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં તેમણે એક પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો છે.
ત્રણેય બાળકો તંદુરસ્ત અને માતા પણ સ્વસ્થ છે
સામાન્ય રીતે સમય પહેલા અથવા તો એક કરતાં વધુ બાળકો એક સાથે જન્મે છે. ત્યારે તેમને કોઇને કોઇ ખામી હોવાનો ભય રહેલો હોય છે. ત્યારે તાલુકા હેલથ ઓફિસરે જણાવ્યુ હતુ કે, ત્રણેય બાળકો તંદુરસ્ત છે. પરંતુ તેમનું વજન 2 કિલો કરતા ઓછુ છે. જેથી તેમને બાળકોના દવાખાને રીફર કરવામાં આવ્યા છે. જ્યારે માતાની તબિયત પણ સ્વસ્થ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
હવે પરિવારમાં 7 બાળકો થયા
લલિતાબેનને આ પહેલાં ચાર બાળકો છે. જેમાં ત્રણ પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્યારે પાંચમી વખત તેઓએ ગર્ભ ધારણ કર્યો હતો અને સાગમટે ત્રણ બાળકો અવતરતાં હવે તેમના પરિવારમાં કુલ 3 પુત્રો, 4 પુત્રીઓ થયા છે. આમ સરકારી દવાખાને જટિલ ગણાય તેવી પ્રસુતિ કરાતાં દંપતીનો હજારોનો ખર્ચ પણ બચી ગયો છે.
પિતા નરેશભાઇ ડામોર કડિયાકામ કરે છે
સાત બાળકોના પિતા બની ગયેલા નરેશભાઇ ડામોરે જણાવ્યું હતું તે, પોતે કડિયાકામ કરે છે. તેઓ કડિયાકામ કરવા મોટે ભાગે વડોદરા જાય છે, પરંતુ હાલમાં અહીં જ છે. તેમના પત્ની લલિતાબેન પણ તેમની સાથે મજૂરીએ જતા હતા, પરંતુ હવે એક સાથે ત્રણ નાના બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડતાં તેઓ પતિને આર્થિક ઉપાર્જનમાં મદદરુપ થઇ શકશે નહી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).