Face Of Nation:વડોદરા વાડી પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા વાડી ટાવર પાસે આવેલા હનુમાન મંદિરના પુજારીએ કલેક્ટર કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પુજારી ઝેરી દવા ગટગટાવે તે પહેલાં પોલીસે તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા મારૂ ફળિયામાં રહેતા ભરતભાઇ ઇશ્વરભાઇ રાજપૂત(60) વાડી ટાવર પાસે આવેલા હનુમાન મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે. તેઓએ ગત 23 એપ્રિલના રોજ વાડી પોલીસ મથકમાં શૈલેષ નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ આપવા માટે ગયા હતા. પરંતુ વાડી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. જોકે, તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યાં બાદ તેઓની ફરિયાદ લેવામાં આવી હતી. પરંતુ વાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પુજારી ભરત રાજપૂત આજે ઝેરી દવા લઇને કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા માટે આવેલા પુજારી ભરતભાઇ રાજપુતે વાડી પોલીસ મથક સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાડી પોલીસે રાજકીય દબાણથી મારા પુત્રને ખોટી રીતે કેસમાં ફસાવી દીધો છે. વાડી પોલીસના અધિકારી સામે કાર્યવાહી કરવા મારી માંગણી કરૂં છું. પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આત્મવિલોપન કરીને આપઘાત કરવા આવ્યો હતો. હું પોલીસ તંત્રથી ત્રાસી ગયો છું.