Face Of Nation 19-06-2022 : લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14-14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલમાં જેઠાલાલ બનતા દિલીપ જોષીએ હાલમાં જ દિશા વાકાણીને યાદ કરી હતી. દિલીપ જોષીએ કો-સ્ટાર્સના અવસાન અંગે પણ વાત કરી હતી. દિલીપ જોષીએ કહ્યું હતું કે તેમણે છેલ્લાં 5 વર્ષથી દિશા વાકાણી સાથે વાત કરી નથી. તો બીજીતરફ શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છોડી દીધો હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે હજી સુધી એક્ટર અથવા પ્રોડક્શન હાઉસે કોઈ પુષ્ટિ કરી નથી. આ અંગે દિલીપ જોષીએ કહ્યું હતું, ‘મેં કહ્યું તેમ પરિવર્તન સંસારનો નિયમ છે. કો-સ્ટાર્સ સાથે સેટ પર રિધમ લાવવામાં થોડી મુશ્કેલી પડે, પરંતુ તમે કોઈને કંઈ કહી શકતા નથી. શૈલેષભાઈ પણ પરત આવી શકે છે.’
10 વર્ષમાં મેં તેની સાથે અઢળક સીન્સ કર્યા છે
દિલીપ જોષીએ કહ્યું હતું, ‘હા, હું દિશાજીને યાદ કરું છું. અમે 10 વર્ષ સુધી સાથે કામ કર્યું હતું. અમારું ટ્યૂનિંગ ને કેમિસ્ટ્રી પહેલા દિવસથી જામી ગઈ હતી. અમે સાથે કામ કરીને સારો સમય પસાર કર્યો હતો અને અમે ઘણાં સારા સીન્સ સાથે શૂટ કર્યાં હતાં. જ્યારે કોમેડીની વાત આવે તો દિશાજી નંબર વન એક્ટ્રેસ છે. કોમેડી કરતાં સમયે દિશાજીનો અપ્રોચ ઘણો જ સારો હોય છે. તે એકદમ બિન્દાસ અને વન્ડરફુલ એક્ટ્રેસ છે. દિશાજી સીનમાં જે ધમાલ મચાવે છે તે માત્ર એક્ટર તરીકે નહીં, પરંતુ દર્શક તરીકે જોવામાં પણ મને મજા આવે છે. ક્યારેક જૂની ક્લિપ જોતો હોઉં છું ત્યારે વિચારું છું કે અરે આ સીન ક્યારે કર્યો હતો. છેલ્લાં 10 વર્ષમાં મેં તેની સાથે અઢળક સીન્સ કર્યા છે. મને તે સીન જોવાની મજા આવે છે. હું અંગત રીતે પણ દિશાજીને ઘણો જ મિસ કરું છું.’
‘સાચું કહું તો દિશાજી ઘણી જ પ્રાઇવેટ વ્યક્તિ છે
દિલીપ જોષીએ કહ્યું હતું, ‘સાચું કહું તો દિશાજી ઘણી જ પ્રાઇવેટ વ્યક્તિ છે. તેણે જ્યારથી શો છોડ્યો ત્યારથી અમે એકબીજા સાથે વાત કરી નથી. મને પ્રોડક્શન હાઉસ તરફથી જ તેના અંગેના સમાચાર મળતા હોય છે. આ તેનો અંગત નિર્ણય છે. તે હાલમાં પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. મને લાગે છે કે આપણે તેના નિર્ણયને માન આપવું જોઈએ. તેણે આ શોને 10 વર્ષ આપ્યા છે. હવે તેની પ્રાથમિકતા પરિવાર છે અને આપણે તેને હેરાન કરવી જોઈએ નહીં. આમ પણ તે આર્ટિસ્ટ છે અને તેને જ્યારે લાગશે, ત્યારે એક્ટિંગમાં પરત ફરી શકે છે. તેણે એક્ટિંગને ક્યારેય અલવિદા કહ્યું નથી.’
સિરિયલના કલાકારોના અવસાન અંગે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે સિરિયલમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતાં કવિ કુમાર આઝાદ તથા નટુકાકાનો રોલ પ્લે કરતાં ઘનશ્યાન નાયકનું અવસાન થયું છે. આ અંગે દિલીપ જોષીએ કહ્યું હતું, ‘માત્ર એક્ટર તરીકે નહીં, પરંતુ માણસ તરીકે પણ આપણે આપણાં સંબંધીઓ, પરિવાર, મિત્રોને ગુમાવવાના છે. જે આવ્યું છે, તેણે એકને એક દિવસ જવાનું છે. પછી પણ દુનિયા ચાલતી રહશે, કહેવાય છે ને શો મસ્ટ ગો ઓન. જ્યારે પણ આપણે આપણા પ્રિયજનને ગુમાવીએ છીએ ત્યારે આપણને ખરાબ લાગે છે. જોકે, સમય સૌથી ઉત્તમ દવા છે. આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી, કારણે પરિવર્તન સંસારનો નિયમ છે. જો તમે પરિવર્તન સ્વીકારશો તો તમારી સફર સરળ થઈ જશે. જો તમે એકની એક જગ્યાએ ફસાઈ ગયા તો તમે જીવનમાં કંઈ પણ કરવા સક્ષમ રહેશો નહીં. આપણે જીવનમાં આગળ વધવાનું છે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).