Face Of Nation 19-06-2022 : જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ દસ્તક દઈ ઝાપટારૂપી હેત વરસાવી રહ્યા છે. બપોરના સમયે જિલ્લાના વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ત્રણેક કલાકમાં ચાર ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો ભારે વરસાદના પગલે શહેરના અને પંથકના રસ્તાઓ પર નદીઓ વહેતી થયેલ તથા નદી- નાળામાં નવા નીર વહેતા જોવા મળ્યા હતા. આજના વરસાદથી ખેડૂતો અને લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.
વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ
આજે સવારથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકાઓમાં ઝાપટારૂપી મેઘરાજા હેત વરસાવી રહ્યા હતા. બપોરના બે વાગ્યા આસપાસ વિસાવદર શહેર અને પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશમાં કાળાડીબાંગ વાદળોનું સામ્રાજ્ય છવાયુ હતુ. બાદમાં ધીમી ધારે મેઘરાજાએ દસ્તક દીધા પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયુ હતુ. ત્રણેક કલાક સુધી અવિરત વરસેલા વરસાદના પગલે વિસાવદર શહેરની બજારો અને રહેણાંક વિસ્તારોના માર્ગે પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી. તો આજના ભારે વરસાદના પગલે પંથકની નદી નાળાઓમાં નવા નીર વહેતા થયા હતા. વિસાવદરમાં ત્રણેક કલાકમાં 4 ઈંચ જેવો વરસાદ વરસ્યો હોવાનું તંત્રએ જણાવેલ છે. આજના વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગયાનો અહેસાસ પંથકવાસીઓ કરી રહ્યા હતા.
કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો?
આજે સવારથી સાંજે 6 વાગ્યા સુધી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વિસાવદરમાં 96 મીમી (4 ઈંચ), જૂનાગઢમાં 1 મીમી, કેશોદમાં 3 મીમી, ભેસાણમાં 8 મીમી, મેંદરડામાં 17 મીમી, માળીયાહાટીનામાં 21 મીમી અને વંથલીમાં 3 મીમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢ નજીકના બીલખા ઉમરાળીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે પંથકની નદીઓમાં ઘોડાપૂર આવ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ઉતાવળી નદીમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદના પગલે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી.
ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા
જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે અને વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતો વાવણીકાર્યમાં જોતરાઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; જૂનાગઢના વિસાવદરમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી...