Face Of Nation 21-06-2022 : મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આવામાં ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે. આ માટે ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.
સીધા રિસોર્ટ-ક્લબમાં લઈ જવાની તૈયારીઓ
એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ, ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
મોડી સાંજ સુધીમાં ધારાસભ્યો આવી શકે છે
ગુજરાત ભાજપનાં જ ઉચ્ચ-સ્તરીય સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવાશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.
ભાજપના જ વિશ્વાસુ નેતાની ક્લબ પર પસંદગી
મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આમાં અંતે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યાં હોવાનું મનાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).