Face Of Nation 21-06-2022 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે લોકો માટે મહામારી જાણે ભૂતકાળ બની ગઇ છે. દેવસ્થાનોમાં વધેલી શ્રદ્ધાળુઓની સંખ્યા પરથી લોકો નિર્ભિક બન્યા હોવાનું અને તેમની ધર્મ પ્રત્યેની આસ્થા વધી હોવાનું જણાય છે. મહામારીમાંથી બચી ગયા બદલ અને નોકરી-ધંધો ફરી પાટે ચઢે એ માટે માનેલી બાધાઓને કારણે મંદિરોમાં દેવદર્શનમાં મોટો વધારો થયો છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં 140 ટકા કરતાં વધુ વધારો
રાજ્યનાં 5 મહત્વના ધર્મસ્થાનોમાં વર્ષ 2021ના પ્રથમ પાંચ મહિનાની સાથે વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિનાની સરખામણી કરતા જણાયું કે, 2022માં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 140 ટકા કરતાં વધુ વધારો નોંધાયો છે. આ ધર્મસ્થાનોની આવકમાં પણ અંદાજે રૂ. 10.81 કરોડનો વધારો થયો છે. વધારાનું કારણ આ વર્ષે ઘટેલા કોરોના કેસની સાથે અગાઉના વર્ષમાં દેવસ્થાનોમાં અંશત: દર્શનબંધી પણ હોવાનું મનાય છે.
53.21 લાખ યાત્રિકોએ ચાર ધર્મસ્થાનની યાત્રા કરી
વર્ષ 2021માં જાન્યુઆરીથી મે સુધીના પ્રથમ પાંચ મહિનામાં અંબાજી, પાવાગઢ, ડાકોર, સોમનાથ અને દ્વારકા (આંકડા ઉપલબ્ધ નથી)માં અંદાજે 21.70 લાખ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં જેની સરખામણીમાં 2022ના પ્રથમ પાંચ માસમાં 53.21 લાખ યાત્રિકોએ ચાર ધર્મસ્થાનની યાત્રા કરી હતી. તેવી જ રીતે આ બંને સમયગાળા દરમિયાન દાનની આવકને લાગેવળગે છે ત્યાં સુધી પાવાગઢ (આંકડા ઉપલબ્ધ નથી) ને બાદ કરતાં બાકીના ચાર દેવસ્થાનમાં 1 જાન્યુઆરી 2021થી 31 મે 2021 દરમિયાન અંદાજે રૂ. 24,66,61,897 ની સામે 1 જાન્યુઆરી 2022થી 31 મે 2022 દરમિયાન રૂ. 35,48,11,593 ની આવક થઇ હતી.
દર્શનાર્થી અને દાનની આવકમાં ઘટાડો
વર્ષ 2021માં ફેબ્રુઆરી – માર્ચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં વ્યસ્તતાના કારણે ઉપરાંત ચૂંટણી પછી તરત જ કોરોના કેસનો રાફડો ફાટતા અનેક દિવસો સુધી મંદિરો બંધ રાખવાની નોબત આવવાથી દર્શનાર્થી અને દાનની આવકમાં ઘટાડો નોંધાયો હોઇ શકે છે. ડાકોર મંદિરના મેનેજર-2 રવીન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે 2021ની શરૂઆતમાં મહામારી અંકુશમાં આવતા મંદિરો જાહેર દર્શનાર્થી માટે ખુલ્લાં મૂકી દેવાયાં હતાં પરંતુ એપ્રિલમાં કેસમાં ફરી વધારો થતાં લગભગ 8 સપ્તાહ સુધી મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હોવાથી ભક્તો અને આવકમાં ઘટાડો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat 5 મહિનામાં દર્શનાર્થીમાં બમણો વધારો; સોમનાથમાં સૌથી વધારે, મહામારીથી બચવા, નોકરી-ધંધા પાટે...