Home Gujarat મધરાતે અચાનક અમદાવાદમાં લાગ્યું લોકડાઉન : સિલ્વર કલરની શંકાસ્પદ કારે પોલીસને દોડતી...

મધરાતે અચાનક અમદાવાદમાં લાગ્યું લોકડાઉન : સિલ્વર કલરની શંકાસ્પદ કારે પોલીસને દોડતી કરી, નાકાબંધી કરીને કાર પકડી તો સામે આવી ‘મોકડ્રીલ’!

Face Of Nation 23-06-2022 : કોરોનાની ત્રણેય લહેર બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું છે અને રાત્રે પણ યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે, પરંતુ બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે. આગામી પહેલી જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે, જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે એ ચકાસવા માટે શહેરને લોક કરવામાં આવ્યું હતું.
ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી
કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાનાં એંધાણ તો નથીને?
પોલીસ દ્વારા 1-1 વાહનને ચેક કરીને જવા દેવાઈ
આ દરમિયાન પોલીસ દ્વારા એક-એક વાહનને ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા હતા તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા તેમજ તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા. અંતે, અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી.
પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે
આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).