Face Of Nation 25-06-2022 : દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૬મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે.
કઈ સુવિધાઓ બનાવવામાં આવી?
દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝીયમમાં પ-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
રાજય સરકારની રૂ. ૭૦૩ લાખની ગ્રાંટમાંથી તૈયાર
રૈયોલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂ.૩૪૫ લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂ.૫૭૧.૩૩ લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર, જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-૧ રાજય સરકારની રૂ.૭૦૩.૦૦ લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.
મ્યુઝિયમ ફેઝ-૧માં શું હતું સુવિધા
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલ મ્યુઝિયમ ફેઝ-૧માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ ૨૫ થી ૩૦ ડાયનાસોરના સ્ટેચ્યુ, ૩-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, ફાયર સેફટી સહિતની સેવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-રમાં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે.
બે મ્યુઝિયમનું નિર્માણ થતાં વિશ્વના પ્રવાસના નકશે
રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે મ્યુઝિયમનું નિર્માણ થતાં વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકશે અને વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં આ મહત્વનું બની રહેશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના 52 હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે.
રૈયોલીનો ઈતિહાસ
આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે જેના કારણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ આજે વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે. ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે. બીજી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે,જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જેસાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે.
વૈશ્વિક પ્રવાસનમાં વાગશે ડંકો
આમ, વિશાળકાય ડાયનાસોરના લગભગ ૬૫ મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).