Home Religion રાજકોટમાં લોક અદાલતમાં ઇ-મેમોના દંડની રકમ પોલીસ લઇ લીધી પણ કોઈને વાહનચાલકોને...

રાજકોટમાં લોક અદાલતમાં ઇ-મેમોના દંડની રકમ પોલીસ લઇ લીધી પણ કોઈને વાહનચાલકોને ન આપી રસીદ, માત્ર સાદા ચોપડામાં કરી એન્ટ્રી!

Face Of Nation 26-06-2022 : રાજકોટ જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં અલગ અલગ પ્રકારના કેસોને લઇને સમાધાન પ્રક્રિયા ધ્યાનમાં રાખી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં ચર્ચામાં રહેલો ઇ-મેમોનો પ્રશ્ન આ લોક અદાલતમાં હલ થશે તેવું કહેવામાં આવતું હતું. પરંતુ આજે કઈક અલગ જ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં પોલીસ વાહનચાલકો પાસેથી ઇ-મેમોના દંડની રકમ તો લઇ લીધી પણ કોઇને રસીદ આપવામાં નહીં. પોલીસ માત્ર સાદા ચોપડામાં એન્ટ્રી કરતી જોવા મળી હતી.
ખોટો ઇ-મેમો લાગે તો વાહનચાલક પોલીસને અરજી કરી શકે
લોક અદાલતમાં ડિસ્ટ્રીક્ટ જજ યુ.ટી. દેસાઇએ જણાવ્યું હતું કે, જે વાહનચાલકોને ઇ-મેમો માટે નોટિસ આપવામાં આવી છે. જેના ચલણ 6 મહિના સુધીના છે તેની પાસેથી દંડ વસૂલ કરાશે અને જે વાહનચાલકો દંડની રકમ ભરપાઇ કરશે તેના કેસોનો નિકાલ કરવામાં આવશે. સાથે જ જો કોઇ વાહન ચાલક ઇ-મેમોથી સહમત ન હોય અને તેમને ખોટો ઇ-મેમો મળ્યો હોય તેવું લાગતું હોય તો તે વાહનચાલકે પોલીસ સમક્ષ અરજી કરવાની રહેશે. વાહનચાલકો પોલીસ સામે કાનૂની લડત પણ આપી શકે છે.
63 હજારને બદલે 15 હજાર ઇ-મેમોના કેસ મૂકાયા
રાજકોટ ટ્રાફિક શાખાના ACP વી.આર. મલ્હોત્રાએ ગઇકાલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, જે લોકો દંડ ભરપાઇ નહીં કરે તેની સામે NC કેસ દાખલ કરવામાં આવશે. તેવા કિસ્સામાં NC કેસ જો કોઇ વાહનચાલક પર થયો હોય તો તેને ટ્રાફિક કોર્ટમાં સમન્સ આવ્યા બાદ પોતાની રજૂઆત કરવાની રહેતી હોય છે. બીજી તરફ 63 હજાર જેટલા ઇ-મેમોની સામે પોલીસે માત્ર 15 હજાર કેસ જ લોક અદાલતમાં મૂક્યા હોવાની માહિતી સામે આવી છે.
આજની લોક અદાલત ઇ-મેમો મામલે નિષ્ફળ : વકીલ
રાજકોટના યુવા લોયર્સ એસોસિએશનના વકીલ હિમાંશુ પારેખે જણાવ્યું હતું કે, આજની લોક અદાલત ઇ-મેમો મામલે નિષ્ફળ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. વાહનચાલકોની કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી. તેમજ છેલ્લા 6 મહિના દરમિયાન આપવામાં આવેલા ઇ-મેમોની દંડની રકમ ભરવાની રહેશે તેવું કહી કોર્ટ કચેરીની અંદર પોલીસ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ લોકો પાસેથી રોકડ રકમમાં દંડની વસૂલાત કરી રહી છે અને આ માટે તેમને કોઇ પણ પ્રકારની રસીદ કે પાવતી આપવામાં આવતી નથી. માત્ર એક સાદી નોટબૂકમાં પોલીસ આ રકમની એન્ટ્રી કરી રહી છે.
આજની લોક અદાલતમાં અંદાજિત 30 હજાર કેસો મૂકાયાં
રાજકોટ એડિશનલ સિવિલ જજ અનુશ્રી દવેએ જણાવ્યું હતું કે, આજે લોક અદાલતમાં વિવિધ કેસો મૂકવામાં આવ્યા છે. જેમાં નેગોસ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે, જેમાં સમાધાન થઇ શકે તેવા ફોજદારી કેસો છે, દિવાની કેસો, ઇલેક્ટ્રિક તેમજ લાઇટ બિલના કેસો, એક્સિડેન્ટ ક્લેમ સહિતના અંદાજિત 30 હજાર કેસો મૂકવામાં આવ્યા છે. બન્ને પક્ષકારોને ભેગા કરી લોક અદાલત માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 60 ટકા કેસોમાં ફેસલો થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).