Home News પોલીસ તપાસમાં ખુલાસો, પરિવારમાં અંધશ્રદ્ધા : મહારાષ્ટ્રમાં તાંત્રિકે ચામાં ઝેર આપીને 9ની...

પોલીસ તપાસમાં ખુલાસો, પરિવારમાં અંધશ્રદ્ધા : મહારાષ્ટ્રમાં તાંત્રિકે ચામાં ઝેર આપીને 9ની કરી હત્યા, ગુપ્ત ધન કાઢવા તાંત્રિકને આપ્યા હતા એક કરોડ!

Face Of Nation 28-06-2022 :  મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 20 જૂને થયેલા 9 લોકોનાં મૃત્યુના મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલો સામૂહિક હત્યાકાંડનો બની ગયો છે. ઘટસ્ફોટ પહેલાં આ મામલાને આત્મહત્યાનો મામલો માનવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એ વાત બહાર આવી છે કે બે ભાઈના પરિવારને એક તાંત્રિક અને તેના જ ડ્રાઈવરે ઝેર આપીને મારી નાખ્યો હતો. હાલ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 20મી જૂને મ્હૈસલ ગામમાં બંને ભાઈનાં ઘરોમાંથી પરિવારના સભ્યોના 9 મૃતદેહો મળ્યા હતા. બંને ભાઈઓમાં એક શિક્ષક અને બીજો પશુનો ડોક્ટર હતો.
તાંત્રિકે ગુપ્ત ધન શોધવાનો વાયદો
પોલીસ મહાનિરીક્ષક (કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહિયાના જણાવ્યા મુજબ, તાંત્રિક અબ્બાસે વનમોરે ભાઈઓ(ડો. માણિક વનમોરે અને પોપટ વનમોરે) માટે ગુપ્ત ધન શોધવાનો વાયદો કર્યો હતો અને એની અવેજીમાં તેણે મોટી રકમ (લગભગ 1 કરોડ રૂપિયા) પણ લીધી હતી. જ્યારે ગુપ્ત ધન ન મળ્યું તો વનમોરે બંધુ તાંત્રિક પાસેથી પોતાની રકમ પરત માગવા લાગ્યા હતા. જોકે અબ્બાસ રૂપિયાને પરત કરવા માગતો નહોતો. જોકે રૂપિયા પરત આપવાનું દબાણ વધ્યા પછી તેણે વનમોરે બધુઓના આખા પરિવારનું જ નિકદન કાઢી નાખવાની યોજના બનાવી હતી.
તાંત્રિકે સભ્યોને ચા પીવા વારાફરથી બોલાવ્યા
પ્રાથમિક તપાસ અનુસાર મુખ્ય આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન 19 જૂને પોતાના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશેની સાથે મ્હૈસલ ગામમાં વનમોરેબધુઓના ઘરે પહોંચ્યો હતો. પછીથી તેણે છુપાયેલા ખજાનાને શોધવા માટે તંત્ર-મંત્રની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન તેણે પરિવારના સભ્યોને ઘરના ધાબે મોકલ્યા હતા. પછીથી તેમને એક-એક કરીને નીચે બોલાવ્યા અને ચા પીવા માટે કહ્યું હતું. એમાં પહેલેથી જ કોઈ ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે આ ચા પીધા પછી વનમોરે પરિવારના લોકો થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યા હતા.
પત્ની સહિત ચાર બાળકો અલગ-અલગ ઘરમાં મૃત્યુ
20મી જૂને સાંગલી જિલ્લાના મ્હૈસલ ગામમાં ટીચર તરીકે કાર્યરત પોપટ વનમોર(54), તેમના ભાઈ અને પશુ ચિકિત્સક ડો.માણિક વનમોર(49) સહિત તેમની 74 વર્ષની માતા, પત્ની સહિત ચાર બાળકો અલગ-અલગ ઘરમાં મૃત્યુ પામ્યાં હતાં. બંનેનાં ઘરની વચ્ચે 1.5 કિમીનું અંતર છે. તો બીજીતરફ પોલીસને શરૂઆતમાં એમ લાગ્યું કે આ સુસાઈડનો કેસ છે, કારણ કે સુસાઈડ નોટમાં મૃતક પરિવારને પૈસા આપનારા નાના-મોટા શાહુકારોને પોતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે ગુપ્ત ધનની લાલચમાં વનમોરેબંધુઓએ લોન પણ લીધી હતી. આ કેસમાં 25 આરોપીઓમાંથી 19ની આત્મહત્યા માટે પ્રેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસની તપાસ અહીં અટકી નહોતી, કારણ કે ઘટનાસ્થળમાંથી માત્ર એક જ શબની પાસેથી ઝેરની બોટલ મળી હતી.
સુસાઈડ નોટે પોલીસની શંકા વધારી
બીજી તરફ સુસાઈડ નોટ્સની તપાસ કરવા પર પોલીસને લાગ્યું કે કંઈક ગડબડ લાગે છે, કારણ કે મોટા ભાગે સુસાઈડ નોટમાં વ્યક્તિ પહેલા કારણ લખે છે અને પછીથી લોકોને દોષિત ઠેરવતો હોય છે. જોકે આ કેસની સુસાઈડ નોટમાં જ કેટલાક લોકોનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ સિવાય એ વાતનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે પરિવાર સુસાઈડ કરવા માગતો હતો. આ બાબત પરથી એ વાત સાબિત થાય છે કે આરોપી તાંત્રિક અબ્બાસે બંને ભાઈને કોઈ ને કોઈ બહાને શાહુકારના નામ લખવા માટે ગેરમાર્ગે દોર્યા હશે, જેથી આ કેસને સામૂહિક આત્મહત્યામાં ખપાવી દેવાય.
કોલ ડિટેલ્સમાં ખૂલ્યાં અન્ય બે નામ
બીજી તરફ ડો.માણિક વનમોરે અને પોપટ વનમોરે તેમના ગુપ્ત ધન વિશે અન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોડી રાત સુધી બંને ભાઈ આ અંગે ફોન કોલ કરીને વાત કરતા હતા. પોલીસે તેમની કોલ ડિટેલ્સ કાઢી અને ચકાસી તો અન્ય બે નામ અબ્બાસ મોહમ્મદ અલ બાગવાન અને ધીરજ ચંદ્રકાત સુરવશેનાં નામ બહાર આવ્યાં હતાં. સાંગલી જિલ્લાના એસપી દીક્ષિત ગેદામે કહ્યું કે મુખ્ય આરોપી અબ્બાસ બાગવાન અને સુરવાસેની સોલાપુરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. બંને પર ઈન્ડિયન પિનલ કોડની કલમ 302 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આજે બંનેને સાંગલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વાહનનું લોકેશન સોલાપુર હોવાનું બહાર આવ્યું
શંકાના પગલે પોલીસે મૃતક વનમોરે પરિવારની જૂની ગતિવિધિઓ શોધી હતી. આ તપાસમાં એક ગાડી મળી છે. બાદમાં CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી તો તે વાહનનું લોકેશન સોલાપુર હોવાનું બહાર આવ્યું. તપાસમાં આ વાહનનો ઉપયોગ કરનાર અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન નીકળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).