Face Of Nation 28-06-2022 : મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. 1.70 લાખ આપી દલાલ મારફતે ભરૂચની એક યુવતી સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા. જોકે, લગ્નના સાતમા જ દિવસે માનતા પુરી કરવાનું કહીં પુત્રવધુ તમામ દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. દુલ્હન પરત ન ફરતા પરિવારે દલાલોનો સંપર્ક કરતા તેમણે 1.70 લાખમાંથી માત્ર 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં ધમકીઓ આપી હતી. આ અંગે પરિવારે ચાર મહિના અગાઉ પોલીસમાં અરજી આપી હતી. જોકે હજુ સુધી ફરિયાદ ન નોંધાતા પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.
મધ્યમ વર્ગીય પરિવાર સાથે છેતરપિંડી
મહેસાણામાં આવેલા નાગલપુર વિસ્તારમાં રહેતા હિગુ રૂપાબેન પ્રકાશભાઈ પોતાનું ઘર કામ કરી ગુજરન ચલાવે છે. પરિવારમાં પતિ સાત વર્ષથી લકવાગ્રસ્ત છે. ત્યારે સંતાનમાં બે દીકરા છે. જેમાં દીકરા પ્રભાતને સમાજમાં સગપણ ન થતા તેઓ યુવતીની શોધમાં હતા. તો બીજીતરફ પરિવાર પુત્ર માટે કન્યાની શોધમાં હતો હત્યારે મહેસાણાના ગોકળગઢના દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી સાથે સંપર્ક થતા. તેઓએ દીકરા માટે ભરૂચની કન્યાની વાત કરી હતી અને કન્યા લાઇ આપવાના 2 લાખ થશે એમ કહી 1.70 લાખમાં મામલો પટાવ્યો હતો.
યુવતીના મળતીયાઓને પૈસા આપી લગ્ન કરાવ્યા
1.70 લાખમાં નક્કી થયા બાદ મહેસાણાનો પરિવાર દીકરા માટે કન્યા જોવા ભરૂચ જિલ્લાના કાછીયા ગામે ગયો હતો. જ્યાં તેઓ ભરૂચની હોટેલમાં રોકાયા હતા. આ દરમિયાન હોટેલમાં 1.15 લાખ રૂપિયા અનિતા નામની કન્યાને પરિવારે આપ્યા હતા. આ દરમિયાન યુવકની માતાએ પૈસા ગણતો વીડિઓ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો. ત્યારબાદ અનિતાના લગ્ન પ્રભાત જોડે કરાવવામાં આવ્યા હતા અને બાદમાં પરિવાર મહેસાણા પરત આવ્યો હતો. જેમાં આવવા જવાના ખર્ચના કરીને 20 હજાર ખર્ચ અને બીજો ખર્ચ મળીને કુલ 66 હજાર આપ્યા હતા.
સાતમાં દિવસે ફરાર થઇ ગઇ
પ્રભાત સાથે લગ્ન કર્યાના સાતમા દિવસે પુત્રવધુ અનિતાએ પોતાના સાસુને કહેલું કે, મારા પિયર માનતા કરવા જવાનું છે. એમ કહેતા સસરિયાએ દલીલોને વાત કરી હતી અને બાદમાં અનિતાને પિયર જવા દીધી હતી. જેમાં અનિતા ઘરેણા પણ લઇને ગઇ હતી. ત્યારબાદ લૂંટેરી દુલ્હન અનિતા સાસરીમાં પરત ન આવતા સાસરીયાએ અવારનવાર કોલ કરી વાત કરવા પ્રયાસ કર્યા હતા. એમ છતાં દુલ્હન પરત આવી નહોતી. જેથી પરિવારે સમગ્ર મામલે મહેસાણાના ગોકળગઢના દલાલોને જાણ કરતા પ્રથમ તેઓએ 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
પરિવારે 5 સામે ફરિયાદ નોંધવા અરજી કરી
ભોગ બનનાર મહેસાણાના પરિવારે સમગ્ર છેતરપિંડી મામલે દલાલ દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી (રહે ગોકળગઢ), અનિતા કાંતિલાલ વસાવા, સુમન કાંતિલાલ વસાવા, ધર્મેશ કાંતિભાઈ વસાવા (તમામ રહે ભરૂચ)સામે પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. જોકે, પોલીસમાં અરજી કર્યાના ચાર માસ વીત્યા છતાં હજુ પણ આ મામલે કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ ન નોંધાઇ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસ ઝડપી ફરિયાદ દાખલ કરી ન્યાય આપાવે એવી માંગ પરિવાર કરી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).