Face Of Nation 28-06-2022 : રાજસ્થાનના ઉદયપુરમાં 10 દિવસ પહેલા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકની તાલિબાની રીતે હત્યા કરી દેવાઈ છે. 2 હુમલાખોરે મંગળવારે ધોળા દિવસે તેમની દુકાનમાં ઘુસ્યા. તલવારના અનેક ઘા માર્યા અને ગળું કાપી નાખ્યું. આ હુમલાનો વીડિયો પણ બનાવ્યો. એટલું જ નહીં, આરોપીઓએ ઘટના પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી પણ લીધી. તો બીજીતરફ ઉદયપુરના 7 વિસ્તારમાં કરફ્યુ લગાવી દેવાયો છે. જેમાં ધાનમંડી, ઘંટાઘર, હાથીપોલ, અંબામાતા, સૂરજપોલ, ભુપાલપુરા અને સવીના વિસ્તાર સામેલ છે. સાથે જ કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આરોપીઓ વીડિયોના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીને પણ ધમકી આપી હતી. બંને આરોપી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસને રાજસમંદના ભીમથી સાંજે 7 વાગ્યે પકડવામાં આવ્યા છે.
5 વિસ્તારમાં બજાર બંધ, ઈન્ટરનેટ સેવા બંધ કરી
શાંતિ વ્યવસ્થા યથાવત રાખવા માટે ઉદયપુર જિલ્લામાં 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. અજમેર, ટોંક, ભીલવાડા અને નાગૌર જિલ્લામાં મંગળવાર રાત્રે 8 વાગ્યાથી લઈને બુધવાર રાત 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાના વિરોધમાં હાથીપોલ, ઘંટાઘર, અશ્વની બજાર, દેહલી ગેટ અને માલદાસ સ્ટ્રીટની બજાર બંધ છે. આખા રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરાયું છે. મૃતદેહ હજુ પણ દુકાનની બહાર જ પડ્યો છે. મૃતકના પરિવારે સરકાર પાસે 50 લાખ રૂપિયા અને સરકારી નોકરીની ડિમાન્ડ કરી છે. તે અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો.
કપડાંનું માપ આપવાના બહાને દુકાનમાં ઘુસ્યાં
કન્હૈયાલાલ તેલી (40)નો ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. બપોરે લગભગ અઢી વાગ્યા બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ દેવાના બહાને દુકાનમાં એન્ટ્રી લીધી. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા. ઘટના સ્થળે જ તેમને જીવ ગુમાવ્યો. જે બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા.
ભીમ વિસ્તારમાં બંને આરોપી પકડાયા હતા
આ ઘટનાની જાણ થતાં જ ધાનમંડી સહિત ઘંટાઘર અને સૂરજપોલ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટનાસ્થળે છે. ટીમે પુરાવાઓ એકઠાં કર્યા છે. ઘટના પછી વિપક્ષના નેતા ગુલાબચંદ કાટરિયાએ પણ SPને ફોન કરી ઘટનાની જાણકારી લીધી છે. તેમને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. DST ટીમ બંને આરોપી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસને લઈને ઉદયપુર માટે રવાના થઈ ગઈ છે. પોલીસની 10 ટીમોએ પીછો કરી આ સફળતા મેળવી છે. રાજસમંદથી લગભગ 100 KM દૂર ભીમ વિસ્તારમાં બંને આરોપી પકડાયા હતા. નાકાબંધી કરીને પોલીસે આ કાર્યવાહી કરી.
6 દિવસ સુધી દુકાન ખોલી ન હતી
કન્હૈયાલાલ ગોર્વધન વિલાસ વિસ્તારમાં રહેતા હતા. 10 દિવસ પહેલા તેમને ભાજપમાંથી હટાવવામાં આવેલા નૂપુર શર્માના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદથી કેટલાંક લોકો તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યાં હતા. કન્હૈયાલાલ સતત ધમકીઓથી પરેશાન હતા. 6 દિવસથી તેમને પોતાની ટેલર્સની દુકાન પણ ખોલી ન હતી. તેમને પોલીસ સમક્ષ ધમકીઓ આપનાર યુવકો અંગે નામજોગ ફરિયાદ પણ કરી હતી. પોલીસે તેમને થોડાં દિવસ સાચવીને રહેવાનું કહી તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી.
અડધા ડઝન વિસ્તારમાં પોલીસ દળ તૈનાત
કલેક્ટર તારાચંદ મીણા, SP મનોજ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા. હાથીપોલ સહિત અડધો ડઝન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાઈ છે. લોકો ઘટનાસ્થળે પહોંચીને પ્રદર્શન કરી રહ્યાં છે. મૃતદેહ હજુ ઘટનાસ્થળ પર જ પડ્યો છે. પરિવારના લોકો હોબાળો કરી રહ્યાં છે. ખેરવાડાથી પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. શહેરના 5 વિસ્તારમાં બજાર બંધ કરી દેવાઈ છે.
પોલીસ રેકોર્ડની તપાસ કરી રહી છે
SP ઉદયપુર મનોજ ચૌધરીએ કહ્યું- જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. જે પણ કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિવાર સાથે કોઈ વાત થઈ નથી. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ પછી મળી રહેલી ધમકીઓની ફરિયાદના સવાલ પર SPએ કહ્યું કે મૃતક સાથે જોડાયેલા તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે.
ગહેલોતે કહ્યું- ઝડપથી તપાસ કરીને સજા અપાશે
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું- ઉદયપુરની ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. જે રીતે હત્યા કરી તે કલ્પનાની બહાર છે. આવું પણ કોઈ કરી શકે છે? આ ઘટનાની નિંદા કરો એટલી ઓછી છે. હું બધાંને અપીલ કરું છું કે શાંતિ જાળવી રાખો. હાલ મેં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા સાથે વાત કરી છે. હાલના સમયમાં બધાં મળીને તણાવ ઊભો ન થાય તેવું કરીએ. દોષીને છોડવામાં નહીં આવે. તેના માટે પોલીસ ભારે મહેનત કરી રહી છે. લોકોને આક્રોશ થાય તે સ્વભાવિક છે. તેનો મને પણ અનુભવ છે. તેને ધ્યાનમાં રાખતા અમે કાર્યવાહી કરીશું. આ કેસની તપાસ સુનિશ્ચિત કરીને ગુનેગારને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).