Home Gujarat માત્ર 5 કલાકમાં 2 લાખ ભક્તો લેશે પ્રસાદ; સરસપુરમાં 14 જગ્યાએ ભક્તો...

માત્ર 5 કલાકમાં 2 લાખ ભક્તો લેશે પ્રસાદ; સરસપુરમાં 14 જગ્યાએ ભક્તો માટે જમણવારની તૈયારીઓ, રૂમ ભરીને બુંદી-ફૂલવડીનો પ્રસાદ તૈયાર!

Face Of Nation 30-06-2022 : કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભવ્ય રીતે યોજાવાની છે. જેમાં લાખો ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચશે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રા પહોંચે છે ત્યારે રથયાત્રામાં જોડાતા અને દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપુરમાં કુલ 14થી 15 જગ્યાએ રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે મોટા અને બાકીના નાના રસોડા બનાવ્યા છે. વર્ષોથી સરસપુરવાસીઓ રથયાત્રામાં જોડાતા ભક્તોને ખુબ જ પ્રેમથી જમાડતા હોય છે. સરસપુર વાસીઓનું દરેક ભક્તોને જમાડવાનું સુંદર આયોજન હોય છે કે પાંચેક કલાકમાં લાખોની સંખ્યામાં ભક્તો જમી લેતા હોય છે. સરસપુરની મોટી સાળી વાળમાં સૌથી મોટું રસોડું યોજાશે જેમાં 35,000 ભક્તો જમતાં હોય છે.
સરસપુરમાં કુલ 30થી હજાર લોકો જમે તેવું આયોજન
મોસાળ સરસપુરમાં બુધવારે મોડી રાતથી જ અલગ-અલગ શેરીઓ અને વાડમાં રસોડા શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખુદ શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈનું આયોજન કરે છે. સરસપુરમાં મોટા રસોડામાં કુલ 30થી 35 હજાર લોકો જમે તેવું આયોજન કરાય છે. જ્યારે નાના રસોડામાં 8થી 10 હજાર લોકો જમે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક શેરી અને વાડમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. બુંદી, મોહનથાળ, મગસ, પુરી અને બટાકાનું શાક જેવા વાનગીઓ બનાવવામાં આવે છે.
બુફે સિસ્ટમથી જમાડીએ છીએ : સરસપુર યુવા ગ્રૂપ
સરસપુર યુવા ગ્રુપના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોટી સાળવી પોળમાં સૌથી મોટું રસોડું યોજાય છે. સરસપુરમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલું રસોડું અમારું આવે છે જેથી મોટી સંખ્યામાં ભક્તો આ પોળમાં જમે છે. અમે બેસાડીને જમાડવાની જગ્યાએ બુફે સિસ્ટમથી જમાડીએ છીએ જેનાથી ઝડપથી અને વધુમાં વધુ લોકો પ્રસાદીનો લાભ લઇ શકે. બે દિવસથી બુંદી અને ફૂલવડી બનાવવાની શરુ કરવામાં આવી છે. આજે રાત્રે પોળની બહેનો દ્વારા પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવશે અને વહેલી સવારે શાક બનાવવામાં આવશે.
પુરી- શાક વહેલી સવારે બનાવવામાં આવે છે
સરસપુર ખાતે આવેલા નાના-મોટા આ રસોડામાં બે દિવસ પહેલાંથી જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે. જેમાં બે દિવસ પહેલા બુંદી અને મોહનથાળ બનાવીને તૈયાર કરવામાં આવે છે. 10 વાગ્યાથી ભક્તોનો ધસારો શરૂ થતાની સાથે જ જમણવાર શરૂ કરી દેવામાં આવે છે. સરસપુર ખાતે છેલ્લા અનેક વર્ષોથી જમણવાર યોજવામાં આવતો હોય છે. સાંજે ચાર વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેતો હોય છે. પોળની બહેનો દ્વારા વેલણ અને પાટલીઓ લઈ અને રાત્રે વણવા પહોંચી જતા હોય છે. વહેલી સવાર સુધી પુરીઓ વણાતી હોય છે.
ખલાસીઓ માટે ખીચડી અને શાક જ બને છે
વહેલી સવારે ભગવાન જગન્નાથના રથ ખેંચીને એક હજારથી વધુ ખલાસીઓ ભગવાનને સરસપુર મામાના ઘરે લાવતાં હોય છે. ત્યારે ખાસ કરીને માત્ર ખલાસીઓ ત્યાં જ પ્રસાદ લેતા હોય છે. ખલાસીઓ માટે ખાસ અલગથી વડવાળો વાસ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ખીચડી અને શાક જ બનાવવામાં આવે છે. આજે રાત્રે એટલે કે રથયાત્રાના આગલા દિવસે તેમનું જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).