Face Of Nation 02-07-2022 : મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય શનિવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુંબઈ પરત ફર્યાં છે. તેઓ 11 દિવસ બાદ પરત આવ્યા છે. તમામ બળવાખોર ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે મુંબઈની હોટેલ તાજ પ્રેસીડેન્સી પહોંચ્યા છે. અહીં ભાજપ-શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંયુક્ત બેઠક યોજાશે. આ બેઠકમાં હવે પછીની રણનીતિ તૈયાર થશે.
સરકાર પછી હવે શિવસેના માટે લડાઈ
મહારાષ્ટ્રમાં 10 દિવસ સુધી ચાલેલા રાજકિય ડ્રામા પછી ગુરુવારે ભાજપના સમર્થનમાં શિવસેના નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા છે. જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી અને તે પહેલાં પણ એકનાથ શિંદે તેમના જૂથને અસલી શિવસેના ગણાવીને કહ્યું હતું કે, અમે બાળા સાહેબના હિન્દુત્વના રસ્તે ચાલી રહ્યા છીએ.
શિંદેને વિપક્ષના નેતા પદથી હટાવ્યા
મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કડક પગલાં ભરતાં એકનાથ શિંદેને પાર્ટીના નેતાપદ પરથી હટાવી દીધા છે. શિંદેને પાર્ટીના નેતાપદ પરથી હટાવવા માટે ઉદ્ધવ ઠાકરે દ્વારા પત્ર જાહેર કરાયો છે. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ પર પાર્ટી વિરોધ પ્રવૃતિઓમાં સામેલ થવાનો અને પાર્ટી તોડવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પત્ર પાર્ટીની અનુશાસન સમિતિ અને રાષ્ટ્રીય કાર્યકારિણીને પણ મોકલવામાં આવ્યો છે.
શિંદે મોડી રાતે ગોવાની તાજ હોટલ પહોંચ્યા હતા
ધારાસભ્ય એક દિવસ માટે હોટેલમાં જ રહેશે. રાજ્યના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા છે. આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે મોડી રાતે ગોવાની તાજ હોટલ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં 9 દિવસ ચાલેલા રાજકીય ડ્રામા પછી ગુરુવારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા જ્યારે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. એકનાથ શિંદે મુખ્યમંત્રી તો બની ગયા છે પરંતુ હજી તેમની સામે પડકારો યથાવત છે.
શિંદેએ 39 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો
3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભાના આ સત્રમાં શિવસેનાના બળવાખોર નેતાઓ પણ હાજર રહેશે. આ દરમિયાન ઉદ્ધ અને શિંદે જૂથના દાવા પણ સ્પષ્ટ થઈ જશે કે કેટલા ધારાસભ્યોને કયા જૂથનું સમર્થન મળશે. નોંધનીય છે કે, શિંદેએ તેમના પક્ષમાં 39 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારપછી ઉદ્ધવ જૂથ તરફથી પણ દાવો કરવામાં આવ્યો છે કે, બળવાખોર ધારાસભ્યોમાંથી અમુક લોકો અમારા સંપર્કમાં છે. આ સંજોગોમાં વિધાનસભા સત્ર દરમિયાન બંને જૂથમાં કોનો દાવો સાચો છે તે પણ સ્પષ્ટ થઈ જશે.
વિધાનસભા સ્પીકરની પસંદગી પણ પડકારજનક
બીજેપી ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભા અધ્યક્ષ ચૂંટણી માટે વિધાન ભવનમાં ઉમેદવારી દાખલ કરી છે. 3 જુલાઈએ ચૂંટણી થવાની છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સ્પીકરનું પદ બે વર્ષથી ખાલી છે. વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી થવાની છે. નાના પટોલના સ્પીકર પદ છોડ્યા પછી સ્પીકર પદ ખાલી જ છે. શિંદે સરકારે 4 જુલાઈના રોજ બહુમત સાબીત કરવાનો છે. તે માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
ગુનો તો ગુનો હોય છે, અટલજીને યાદ કરે ભાજપ: સામના
શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ લખ્યું છે- ભાજપના લોકો નાનું મન અને મોટા મનની વાતો કરે છે, પરંતુ અટલજીએ કહ્યું છે, ટૂટેલા દિલથી કોઈ સાથે નથી હોતું. શિવસેનાએ ચેતવણી આપી છે કે, સરકાર સારી રીતે કામ કરે, કારણકે આ શિવરાયનું મહારાષ્ટ્ર છે, ઘૃતરાષ્ટ્રનું મહારાષ્ટ્ર નથી. સામાનમાં અટલજીની આ કવિતા પણ લખવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).