Face Of Nation 04-07-2022 : ‘ઘરેથી જ્યારે બાળકો શાળાએ આવવા નીકળે છે ત્યારે એક જ ચિંતા કોરી ખાય છે કે અમારું બાળક સલામત તો હશે ને! કંઈક દુર્ઘટના તો નહીં ઘટી હોય ને!’ આ શબ્દો છે મહુવાના ખરોડ ગામના ભટુરભાઈ શિયાળના. ખરેડ ગામમાં શાળ તો છે, પણ નામ પૂરતી જ છે. 400 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ ઓરડા છે, એ પણ અતિજર્જરિત. 8 હજારની વસતિ ધરાવતા દરિયા કિનારાના ગામમાં માત્ર એક જ શાળા છે અને એની હાલત પણ અતિખરાબ છે. ત્યારે વાલીઓ કરીને પણ શું કરે? બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને મજબૂરીમાં શાળાએ મોકલવા પડે છે.
400 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ ઓરડા
છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની સ્કૂલોની મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલોની મુલાકાત લીધી હતી. રાજ્યમાં શિક્ષણ મુદ્દે રાજકારણની વચ્ચે આજે એક એવી સ્કૂલની વાત કરવી છે, જ્યાં 400 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ ઓરડા છે અને એ પણ જર્જરિત હાલતમાં. આ સ્કૂલ છે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના ભાવનગરના ખરોડ ગામની, જ્યાં ખુલ્લામાં બેસીને ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે.
8 હજારની વસતિ વચ્ચે માત્ર ને માત્ર એક જ સ્કૂલ છે
ભાવનગરના મહુવાના દરિયા કિનારા પાસે આવેલા ખરેડ ગામની 8 હજારની વસતિ વચ્ચે માત્ર ને માત્ર એક જ સ્કૂલ છે, જેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓનું ભણતર ચાલી રહ્યું છે. ભણતર પણ કેવું, વિદ્યાર્થીઓને ભણવું છે, પણ બેસવું ક્યાં? 400 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે ઓરડા છે. આ બંને ઓરડાની હાલત અતિખરાબ છે. ઓરડામાં છતની સ્લેબમાંથી પોપડાં પડી રહ્યા છે, પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતાને લઇ વાલીઓને મજબૂરીમાં બાળકોને શાળાએ મોકલવાં પડે છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ મજબૂર
વર્ષો પહેલાં સાગરખેડુઓનાં બાળકો માટે સરકારે સ્કૂલ બનાવી હતી, પણ સમયની સાથે એની હાલત ખરાબ થઇ ગઇ છે. શાળાના બે ઓરડાની છતમાંથી પોપડાં પડી રહ્યાં છે, ભોંય તળીએ નાખેલી લાદીઓ ઊખડીને ધૂળમાં મળી ગઇ છે. ત્યારે વિદ્યાર્થીઓ ઝાડના છાંયડે અને જર્જરિત દીવાલોના છાંયડે બેસીને ભણવા મજબૂર થયા છે. સ્કૂલની હાલત વિશે ગ્રામજનો અને શાળાના સ્ટાફે અનેક વખત રજૂઆત કરી, પણ કોઇ પરિણામ જોવા મળ્યું નથી.
ત્રણ વખત માગણી કરી, પણ ટેન્ડર પાસ ન થયું
આ અંગે શાળાનાં આચાર્ય યોગિતાબેને જણાવ્યું હતું કે શાળામાં ઓરડાની ત્રણ વખત માગણી કરી પણ ટેન્ડર પાસ થયું નથી. જ્યારે હવે ફરી પાછી માગ કરી છે. ત્યારે અમને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં નવા ઓરડા બનાવીશું, જોકે હવે ક્યારે બને છે એ રામ જાણે.
બાળકોની ચિંતા કોરી ખાય છે, શાળાનો પ્રશ્ન 8 વર્ષ જૂનો
શાળામાં ભણતા વિદ્યાર્થીના પિતા ભટુરભાઈ શિયાળે જણાવ્યું હતું કે. જ્યારે બાળકો નિશાળે આવે ત્યારે અને ચિંતા કોરી ખાય છે. અમને સતત એમ લાગ્યા કરે છે કે શાળામાં કોઇ દુર્ઘટના તો નહીં ઘટી હોય ને! અમારું બાળક સલામત તો હશે ને! અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જલદી અમારા ગામમાં નવી શાળા બનાવી આપો. તો બીજીતરફ અન્ય એક વાલી શાંતિભાઇએ જણાવ્યું હતું કે ગામમાં શાળાનો પ્રશ્ન 8 વર્ષ જૂનો છે. બાળકોને ભણવા માટેની કોઇ વ્યવસ્થા થઇ નથી. સરકારને વિનંતી છે કે અમારાં બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.
હવે શાળાનો પ્રશ્ન ધ્યાને નહીં લેવાય તો બાળકોને ઘરે રાખીશું
ખરેડ ગામના લાલજીભાઈ બાભણિયાએ જણાવ્યું હતું કે શાળા વિશે અનેક રજૂઆતો કરી છે પણ કોઇ ધ્યાને લેતું નથી. હવે અમારી ધીરજ ખૂટી રહી છે. અમારાં બાળકો અનેક મુશ્કેલીનો સામનો કરે છે. વહેલી તકે શાળા બનાવી આપો. જો હવે શાળાનો પ્રશ્ન ધ્યાનમાં નહીં લેવાય તો અમે બાળકોને શાળાએ નહીં મૂકીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion શિક્ષણમંત્રીના ગામમાં જર્જરિત શાળા : ભાવનગરના ખરોડની શાળામાં 400 વિદ્યાર્થી વચ્ચે માત્ર...