Home Religion રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, માધાપર ચોકડીએ ગોઠણસમા ભરાયા...

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, માધાપર ચોકડીએ ગોઠણસમા ભરાયા પાણી, 7 ડેમમાં આવ્યા નવાં નીર, વાહનચાલકો પરેશાન!

Face Of Nation 04-07-2022 : રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતા બાઇક, રિક્ષા બંધ પડી જતા ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFની ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે.
માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા છે. આથી BRTS બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે.
આજી-3,ફોફળ સહિત 7 ડેમમાં નવાં નીર આવ્યા
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના 3, જામનગરના 1 અને મોરબીના 1 અને દેવભૂમિ દ્વારકાના 2 સહિત 7 જળસ્રોતમાં સામાન્યથી લઇને 14.11 ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ છે. સૌથી વધુ દ્વારકાના શેઢાભાડથરીમાં 14.11 ફૂટની આવક થઇ છે. દરમિયાન 84 પૈકી 43 જળાશય ઉપર સામાન્યથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે, દરમિયાન ડેમ સાઇટ પર વરસાદને પગલે ધીમીધારે નવાં પાણીની આવકનું પ્રમાણ જારી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).