Face Of Nation 04-07-2022 : ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર ખાતે ગુજરાતની એસટી બસને અકસ્માત નડ્યો હતો. ચરણમલ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની એક્સલ તૂટી ગયા બાદ બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. જેથી બસમાં સવાર 30 જેટલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 20 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર મુસાફરોએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, ભગવાનની કૃપાથી જ બચી ગયા છીએ.
અકસ્માતના પગલે મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ
મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવતી ગુજરાતની એસટી બસનો આજે(સોમવાર) સવારે 9.30 કલાકે નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમલ ઘાટ ખાતે બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્સ્ત થયા હતા. બસમાં કુલ 30 મુસાફરો હતા. અકસ્માતના પગલે મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી.
બસ ખીણમાં ખાબકતા પથ્થરોના કારણે અટકી
નવાપુર તાલુકાના ચરણમલ ઘાટ ખાતે પહોંચેલી એસટીબસનો સાપોલીયા વળાંકમાં બસનો એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ ઘાટ સાથે અથડાઈ બસ ખીણમાં ખાબકતા પથ્થરોના કારણે અટકી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 20 ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા નજીકમાં આવેલા બોરઝર ગામના લોકોએ મદદ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.
મુસાફરોને એક્ઝીટ બારીમાંથી બહાર કાઢ્યા
નવાપુર ડેપોની બસના ડ્રાઈવર અને બસમાં મુસાફર તરીકે આવી રહેતા તારાચંદ વાધે જણાવ્યું હતું કે, બસની એક્સલ તૂટી જતા બ્રેક પણ ફેઈલ થઈ ગઈ હતી. ડ્રાઈવરે બ્રેક મારવાનો બહું પ્રયાસ કર્યો હતો. બ્રેક ફેલ થવાની જાણ થતા બસમાં સવાર તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. મુસાફરોએ એમ જ હતું કે આજે તો મરી જ જશું. જોકે, પથ્થરોના કારણે બસ અટકી ગઈ હતી. ત્યારબાદ તમામ મુસાફરોને એક્ઝીટ બારીમાંથી બહાર કાઢ્યા હતા.
ભગવાનની કૃપાથી જ બચી ગયાઃ મુસાફર
બસમાં સવાર મુસાફર કૈલાશ સુર્યવંશીએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, પત્ની અને દીકરા સાથે વડોદરામાં મોટા દીકરાના બર્થડેની ઉજવણી માટે જઈ રહ્યા હતા. સાપોલિયા વળાંકમાં ઘાટ ઉતરતા સમયે ડ્રાઈવરે બ્રેક ફેલ થઈ હોવાનું કહેતા જ ગભરાઈ ગયા હતા. ભગવાનની કૃપાથી જ બચી ગયા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).