Face Of Nation:અમદાવાદ શહેરમાં હોટલ અને રેસ્ટોરાં દ્વારા લાઈસન્સ અને રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત હોવા છતાં નિયમો નેવે મૂકી ધમધમતી 7 રેસ્ટોરાંને મ્યુનિ.એ સીલ કરી છે. તે ઉપરાંત 181 એકમોની તપાસ કરી 189 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કર્યો છે. હેલ્થ વિભાગની ફ્લાઇંગ સ્કવોડે શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 હેઠળ નિયમોનું પાલન નહીં કરનાર રેસ્ટોરાં-હોટલો સામે પગલા લેવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં જ મ્યુનિ.એ 131 ધંધાકીય એકમોની તપાસ કરી હતી.જેમાંથી 90ને નોટિસ આપી 189 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો.તેમજ 2.60 લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 7 જેટલી રેસ્ટોરાંને બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવા પણ હેલ્થ વિભાગે આદેશ આપવામાં આવ્યો છે.