Face Of Nation 06-07-2022 : ગીર સોમનાથ જિલ્લામા આભ ફાટ્યું છે. જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાબલેધાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી કરી દીઘુ હતુ. જેમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદના પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા ડાયવર્ઝન સોમત નદીના પુરના પાણીમાં ગરકાવ થતા વાહન-વ્યવહાર ખોરવાઇ જતા બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.
સાંબલેધાર વરસાદના કારણે લોકોને અનેક મુશ્કેલી
રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગીર સોમનાથના દરીયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગતરાત્રીથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રીના શરૂ થયેલી મેઘસવારીએ સવારે 10 વાગ્યા સુધી સાત કલાકમાં 280 મિમી (12 ઇંચ), કોડીનારમાં 225 મિમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મિમી (5 ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદના પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગામો બેટમાં ફેરવાયા, માર્ગો પર નદીઓ વહેતી થઇ
સુત્રાપાડા શહેર-પંથકમાં ગતરાત્રીના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વ્હેલી સવારે સાત વાગ્યા સુધી અનરાઘાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતુ. આમ સાત કલાકમાં 12 ઇંચ જેવો વરસાદ વરસી જતા શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યા જેવા ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના મટાણા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતના ગામોની શેરીમાં નદી વહેતી થતા બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાના અન્ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા બંધ થઇ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
કોડીનાર પંથકના અનેક ગામો જળમગ્ન થયા
કોડીનાર પંથકમાં પણ ગતરાત્રીથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. જે સવારે પણ અવિરત ચાલુ હતુ. જેના લીધે કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતા જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો પંથકના દરીયાકાંઠાના મુળદ્રારકા, માલાશ્રમ સહિતના ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા. ભારે વરસાદના પગલે કોડીનાર પંથકનો ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકોએ જોડતા માર્ગો પર નદી- વોકળાઓના પાણી ફરી વળ્યાના પગલે વાહનવ્યવહાર બંધ થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).