Face Of Nation 08-07-2022 : જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતાં તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની સ્થિતિને લઈને અલગ અલગ જાણકારી સામે આવી રહી છે. આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બાકીનાં અંગો પણ કામ કરી રહ્યાં નથી. આ તરફ ન્યૂઝ એજન્સી એએફપીએ તેમના મોતની આશંકા વ્યક્ત કરી છે.
અચાનક ગોળીબારનો અવાજ આવ્યો
આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. શરૂઆતમાં તેમને છાતીમાં ગોળી મારવાના અહેવાલો આવ્યા હતા, જોકે તેમને પાછળથી બે ગોળી મારવામાં આવી છે. તેમની સારવાર નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા તેમના ખબરઅંતર પૂછવા માટે પહોંચી ગયા છે.
67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ-એટેક પણ આવ્યો
ગોળી વાગ્યા બાદ 67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ-એટેક પણ આવ્યો છે, જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.
આબેની હાલત નાજુક છે, ઘણું લોહી વહી ગયુ હતું
શિન્ઝો આબેને પાછળથી બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે, કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આબે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
જાપાનમાં અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે, જેમાં સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિન્ઝો આબેએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
શિન્ઝો આબે 2006-07 દરમિયાન પ્રધાનમંત્રી
67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન પ્રધાનમંત્રી રહ્યા હતા. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે. તેમને અલ્સેરટ્રેટિવ કોલાઇટિસ, આંતરડાની બીમારી હતી, જેના કારણે તેમને 2007માં પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શિન્ઝો આબે સતત 2803 દિવસ (7 વર્ષ 6 મહિના) પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. આ રેકોર્ડ પહેલાં તેમના કાકા ઇસાકુ સૈતોના નામે હતો. દરમિયાન જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).