Face Of Nation:વાપીમાં આજે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક કાર ચાલક સાથે બબાલ થતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા કડક ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોબાઇલ પર વાત કરતાં અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે વાપીના ગુંજન વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે કાર ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતાં એક કારચાલકને રોક્યો હતો.
ત્યારબાદ મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવવા ના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસે કારચાલકને દંડ ફટકાર્યો હતો. આથી કારચાલકની સાથે રહેલા અને એક વ્યક્તિએ પોલીસ સાથે બબાલ કરી હતી.. અને મામલો ગરમાયો હતો.. બબાલ વધતા ગાળાગાળી અને ઝપાઝપી સુધી પહોંચી જતા વાતાવરણ મામલો તંગ બન્યો હતો.ત્યારબાદ કાર ચાલક અને તેના સાથી એ પોલીસ સાથે ગેરવર્તન કરતાં પોલીસે દંડાવાળી કરી હતી. અને કારચાલકની કારના કાચ તોડી ને સાથે કારચાલકને પણ ફટકાર્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી ગયેલા કારચાલક અને તેના સાથી કાર મુકી ફરાર થઇ ગયા હતા. આ વખતે મોટી સંખ્યામાં સ્થળ પર ટોળું એકઠું થઇ અને હોબાળો થતાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.