Face Of Nation 14-07-2022 : હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15મી જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો
હજી તો ચોમાસું શરૂ જ થયું છે ત્યાં ગુજરાતમાં 50 ટકા વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 17 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. કચ્છમાં 17 ઈંચ અને 97.76 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સાત ઈંચ વરસાદ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
50 ડેમ પર હાઈ એલર્ટ અને ચેતવણીના સિગ્નલ
ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે, 50 પૈકી 27 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે 12 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાતાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોય તેવા 11 ડેમ પર વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં બુધવારની સ્થિતિએ 21 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ 21 પૈકી સૌથી વધુ કચ્છમાં 13 ડેમ, દક્ષિણ ગુજરાતમાં 5, સૌરાષ્ટ્રમાં 3 ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક નથી, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 14.76 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 34.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.50 ટકા, કચ્છના 20 ડેમમાં 66.18, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 43.39 ટકા અને સરદાર સરોવર ડેમમાં 48 ટકા, એમ રાજ્યના કુલ 207 ડેમમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 1,60,363 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).