Home Uncategorized Exclusive : “ખાતો નથી અને ખાવા દેતો નથી” સૂત્રને માનનારા ભાજપે મંત્રીઓના...

Exclusive : “ખાતો નથી અને ખાવા દેતો નથી” સૂત્રને માનનારા ભાજપે મંત્રીઓના ખાતા ભ્રષ્ટાચારીઓના ઈશારે આંચકી લીધા

Face Of Nation, 21-08-2022 : જરૂરી નથી કે મંત્રીઓ કે અધિકારીઓની બદલીનું કારણ તેમનો ભ્રષ્ટાચાર જ હોય. ક્યારેક ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડકાઈ દાખવવા બદલ પણ બદલી કે ખાતા છીનવાઈ જતા હોય છે. આવું જ કંઈક બન્યું છે ગુજરાત ભાજપના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી સાથે. જો કે, આ બંને મંત્રીઓ ભ્રષ્ટાચારી હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની ખોટી ચર્ચાઓ અને અટકળો વહેતી કરવામાં આવી છે તે ખુબ જ શરમજનક બાબત છે. આ બંને મંત્રીઓએ તેમના વિભાગનો હવાલો સંભાળ્યો ત્યારથી જ તેમની સાહસિકતા અને પ્રમાણિકતાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવવાની શરૂઆત થઇ ગઈ હતી. જેને લઈને જે તે વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓને અને ખુદ ભાજપના જ કેટલાય મંત્રીઓને પરસેવો છૂટી ગયો હતો. આ બંને મંત્રીઓએ જે રીતે કામગીરી શરૂ કરી હતી તે જોતા તેમની આ પરિસ્થિતિ થશે તે નક્કી જ હતું કેમ કે, ચૂંટણી માથે છે અને પક્ષને ફંડની ખુબ જ જરૂર હોય છે તેવામાં પ્રમાણિકતાથી નુકસાન થાય છે અને ફંડ રોકાઈ જાય છે. રાજકીય પાર્ટીઓમાં મોટાભાગે ફંડના ટાર્ગેટ બિલ્ડરો, વેપારીઓ અને મંત્રીઓના ઈશારે કેટલાક સરકારી અધિકારીઓ પૂરો કરે છે. જે ટાર્ગેટ કોઈ પ્રામાણિક અધિકારી કે મંત્રીના આવી જવાથી અટકી જાય છે. જેને લઈને જે તે મંત્રી કે અધિકારીને દૂર કરી દેવામાં આવે છે આ એક નગ્ન સત્ય છે.
ગુજરાતમાં ભાજપે પોતાના જ પક્ષના મંત્રીઓના ખાતા છીનવી લેતા ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે. સમગ્ર ગુજરાત અને ખુદ ભાજપ પક્ષમાં આ નિર્ણયે આશ્ચર્ય ઉભું કર્યું છે. આ મામલે હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે, રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી બંને મંત્રીઓ પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેની ગંભીરતા ધ્યાને લઈને હાઇકમાન્ડે તુરંત તેમના ખાતા છીનવી લેવાની કામગીરી કરી હતી. જો કે આ ચર્ચા અને વાત તદ્દન પાયાવિહોણી છે. ભાજપના જ હાઇકમાન્ડના નજીકના અત્યંત વિશ્વાસુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ બંને નેતાઓ બિલ્ડરો, વહીવટદારો, ભ્રષ્ટ મંત્રીઓ કે ભ્રષ્ટ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોના કામ કરતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદો હાઈકમાન્ડ સુધી પહોંચી હતી જેને લઈને બંનેના હાથમાંથી મલાઈદાર ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપના હાઇકમાન્ડની છબી એવી છે કે, જો કોઈ પક્ષ વિરોધી કામગીરી કરે તો તેને ઘરે જ બેસાડી દેવામાં આવે છે, તેની પાસેથી તમામ જવાબદારીઓ પરત ખેંચી લેવામાં આવે છે પરંતુ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના કેસમાં એવું કશું જ થયું નથી. આ બંને પાસેથી માત્ર મલાઈદાર ખાતા પરત લઇ લેવામાં આવ્યા છે અને અન્ય ખાતા યથાવત રાખવામાં આવ્યા છે. જે વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે, હાઇકમાન્ડને આ બે મંત્રીઓની કોઈ એવી ગંભીર ફરિયાદો નહોતી મળી કે જેનાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડે. જો આ બંને મંત્રીઓએ તેમના વિભાગમાં ચાલી રહેલા કામકાજો અંગે આંખ આડા કાન કર્યા હોત તો આજે તેમની પાસેના ખાતા યથાવત જ હોત. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ક્યારેય ન રહેલી રાજ્ય કક્ષાના મંત્રીની પોસ્ટ વિશેષ રૂપે ઉભી કરીને હર્ષ સંઘવી અને જગદીશ પંચાલની નિયુક્તિ કરી નાખવામાં આવી છે.
ત્રીજો મુખ્ય અને નોંધપાત્ર મુદ્દો એ પણ છે કે, જો ખરેખર આ બંને મંત્રીઓ દોષીત હોત કે તેમની આધારપુરાવા સાથેની મજબૂત કોઈ ફરિયાદ હોત તો ભાજપ તેના મૂળ સ્વભાવ પ્રમાણે મંત્રીઓના પદ પણ ન રહેવા દે પરંતુ મંત્રીઓના માત્ર મલાઈદાર ખાતા જ છીનવી લઈને અન્ય ખાતા યથાવત રાખતા તેમની પ્રમાણિકતા સરકારને નુકસાન કરી રહી હોવાથી તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાનો પણ વધુ એક પુરાવો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).