Face Of Nation 18-09-2022 : અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ વધતા જઈ રહેલા આંદોલનો અનેક પ્રશ્નો અને ચર્ચાઓ ઉભી કરી રહ્યા છે. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, જયારે જયારે ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે ત્યારે આંદોલનોએ તેમને મુખ્યમંત્રી પદ છોડવા મજબુર બનાવી દીધા છે. આ વાત રાજકીય પ્રેરિત છે કેમ કે રાજકારણમાં જ રહેલા કેટલાક લોકોના ઈશારે સમગ્ર કાવાદાવાઓ રચાતા હોય છે. આજદિન સુધી કોઈ પણ પટેલ મુખ્યમંત્રી તેમનો કાર્યકાળ વિઘ્ન કે આંદોલનો વિના પૂરો કરી શક્યા નથી. મુખ્યમંત્રી તરીકે કોઈ પટેલની નિયુક્તિ થતાની સાથે જ તેમની વિરુદ્ધ ષડયંત્રો પણ શરૂ થઇ જાય છે. હાલમાં ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતમાં જાણે કે આંદોલનોની ઋતુ શરૂ થઇ ગઈ છે અને ઠેર ઠેર લોકો આંદોલનો કરીને રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે, જો પ્રજા કે સરકારી કર્મચારીઓને તકલીફો જ હોય છે તો કેમ અચાનક જ એ આંદોલન સ્વરૂપે બહાર આવે છે ? જયારે કોઈ તકલીફ ઉભી થાય તે સમયે જ કેમ કોઈ એક થઈને તેની સામે અવાજ નથી ઉઠાવતા ? ચૂંટણી સમયે કે મુખ્યમંત્રી બદલાય ત્યારે જ કેમ આંદોલનોના નામે કે પોતાના હક્કોના નામે લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે ? આ તમામ પ્રશ્નો પાછળ રાજકીય લોકોના માસ્ટર માઈન્ડ જોડાયેલા છે. કોઈ પણ આંદોલન કે રેલી કે વિરોધ સરકારની કે રાજકીય વ્યક્તિની સહાય કે દોરીસંચાર વિના શક્ય જ નથી.
જો કે, ભુપેન્દ્ર પટેલ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે, તેઓ માટે રાજકીય દુશમન હોય તેવું માની શકાય તેમ જ નથી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પણ ભુપેન્દ્ર પટેલને પસંદ કરે છે. ભુપેન્દ્ર પટેલની નિમણુંક પણ નરેન્દ્ર મોદીની ઈચ્છાથી કરવામાં આવી છે. તેવામાં તેમને હટાવવા માટે કોઈ કારણ મળી શકે તેમ નથી. આવનારી ચૂંટણી પણ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જ લડાશે તે વાત પણ નકારી શકાય તેમ નથી જ છતાં આંદોલનો ઉભા કરીને આ સરકારને પરેશાન કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તેવી અનેક ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. ગુજરાતમાં ભાજપની વિરુદ્ધ બોલવું એ હિંમત માંગી લે તેવું કામ છે તેવામાં આંદોલન કરવું તે તો ભાજપના જ કોઈ નેતા કે આગેવાનોના સહયોગ વિના શક્ય બને તે વાત નકારી શકાય તેવી છે જ નહીં.
આનંદીબેન પટેલ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એક લબરમૂછિયા હાર્દિક પટેલ નામના યુવાનના ઈશારે પટેલ સમાજે આનંદીબેન સરકાર સામે અનામતની માંગ સાથે બાંયો ચઢાવી અને પરિણામે આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી રાજકીય દબાણ આવતા ઉંમરનું બહાનું ધરીને રાજીનામુ આપી દેવું પડ્યું. પાટીદાર સમાજે ભલે અનામતની માંગ સાથે બુમ બરાડા પાડ્યા પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આનંદીબેન પટેલ સરકાર હતી. જેવું આનંદીબેને રાજીનામુ ધર્યું તેની સાથે અનામત આંદોલન પણ અભરાઈએ ચઢી ગયું. કેટલાક લોકોએ નેતાગીરીના પોતાના રોટલા શેકવા “અનામત” શબ્દને હથિયાર તરીકે વાપરી પોતપોતાના મનસૂબા પાર પાડી લીધા. જો કે, હવે ફરી જયારે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે અનામત આંદોલનના નામે મિટિંગો શરૂ કરી દેવામાં આવી છે. કુવામાં ના દેડકાની જેમ હવે પાટીદાર નેતાઓ ફરી સમાજના નામે અને ન્યાયના નામે અનામત આંદોલનની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.
1973 થી લઈને ચાલુ વર્ષ સુધી પાંચ પાટીદાર મુખ્યમંત્રીઓએ ગુજરાત ઉપર રાજ કર્યું, પરંતુ કોઈને કોઈ કારણોસર તેમને સત્તા છોડવાનો વારો આવ્યો છે. આંદોલનો અને કુદરતી આફતોના નામે આ મુખ્યમંત્રીઓએ રાજીનામાં ધરી દેવા પડ્યા છે. પાટીદારોને મુખ્યમંત્રી પદ ક્યારેય ફળ્યું નથી અથવા તો રાજકીય કાવત્રાખોરોએ ક્યારેય ફળવા દીધું નથી તેમ ચોક્કસ કહી શકાય. 1973 થી 2016 સુધી જે જે પાટીદારોએ સત્તા સંભાળી તે તમામને ટર્મ પુરી કર્યા વિના રાજીનામુ ધરી દેવાની ફરજ પડી છે. સત્તાના આ સમીકરણો અને રાજકારણના કાવાદાવાઓનો વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થઇ જાય કે, પાટીદાર મુખ્યમંત્રીના કાર્યકાળની શરૂઆતની સાથે જ તેમને કેમ પાડી દેવા તેનું પણ રાજકીય ગણિત શરૂ થઇ જાય છે. પાટીદાર સમાજ અને ભાજપના નેતા અમિત શાહને 12 મો ચંદ્રમા છે. પાટીદારો માને છે કે, અમિત શાહ એ તેમના રાજકીય દુશ્મન છે અને વાત નકારી શકાય તેવી પણ નથી કેમ કે અમિત શાહની પાટીદાર અનામત આંદોલન સમયેની ભૂમિકાએ તેમની ઉપર અનેક સવાલો ઉભા કર્યા હતા. સીધી કે દેખીતી રીતે અમિત શાહના ઈશારે અનેક પાટીદાર વિરોધી પ્રવુતિ અને આનંદીબેન સરકારને પાડી દેવાના રાજકીય કાવતરા ઘડવામાં આવ્યા હતા. એ વાત પણ જગજાહેર છે. તેવામાં સૂચક બાબત એ પણ છે કે, અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનોએ વેગ પકડ્યો છે અને હવે આ આંદોલનો ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ સરકારનો ભોગ લઈને શાંત થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.