Face Of Nation 12-11-2022 : ગુજરાતમાં 2002ના રમખાણો બાદ ગુજરાતની પ્રજા મોદી મોદી કરવા લાગી. બસ, આ જ સ્થિતિનો તાગ મોદીએ મેળવીને શરૂ કરી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં એમ કહેવાય છે કે, ભાજપના સત્તા ઉપર આવ્યા પછી તોફાનો અટકી ગયા. પરંતુ વાત કૈક જુદી જ છે. જો તમે ભૂતકાળની યાદો તાજી કરો તો અનેક કિસ્સાઓ છે કે, જેને લઈને સાબિત થાય છે કે તે સમયે દિલ્હીમાં રહેલી કોંગ્રેસ સરકારનો ઘેરાવ કરવા માટે ગુજરાતને રીતસર ભળકે બાળવામાં આવતું હતું. ભાજપના જ કાર્યકરો અને નેતાઓ રસ્તા રોકો આંદોલન, બંધના એલાનો અને આક્રમક દેખાવો કરતા હતા. જેવી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ગુજરાત શાંત થઇ ગયું. પોતાના પક્ષ સામે કોણ આંદોલન કરે ? કોણ બંધના એલાનો આપે ? કોણ આક્રમક દેખાવો કરે ? આ એ જ ભાજપના નેતાઓ છે કે, જેઓએ ગેસના ભાવ વધારાને લઈને જલદ આંદોલનો કર્યા છે. હાલ ભાજપ પ્રજાની દુખતી નસ પારખી ગઈ છે અને એટલે જ માત્ર હિંદુત્વના જોરે બધાના સામાજિક ભાગલા કરીને રાજ કરી રહ્યું છે.
અંગ્રેજોએ લોકોને અંદરો અંદર લડાવ્યા અને રાજ કર્યું બસ એ જ નીતિ આજે ભાજપ અપનાવી રહ્યું છે. ઠેર ઠેર સમાજ અને ધર્મના નામે ભાગલા પાડી દઈને અંદરો અંદર પોતાના રાજકીય માણસો ગોઠવીને લોકોને અલગ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં આજ દિન સુધી ક્યારેય ન ઉભા થયેલા સમાજના તાણાવાણા ઉભા થઇ ગયા છે. તમામ લોકો પોતાના સમાજના આગેવાનને આગળ ધરીને ટિકિટો માંગી રહ્યા છે. આ સમાજના આગેવાનો પણ મોટાભાગે ભાજપી જ હોય છે. લોકોના મગજમાં એવા વિચારો ભરી દેવામાં આવ્યા છે કે, મોદી કે ભાજપ વિરોધી કોઈ બોલે એટલે તે દેશદ્રોહી કે હિંદૂદ્રોહી. તેને અનેક રીતે બદનામ કરવામાં આવે છે. મીડિયા પણ સત્ય લખે કે સત્યનો સાથ લઈને અવાજ ઉઠાવે તો તેને બદનામ કરીને તેની વિરુદ્ધ અનેક ષડયંત્રો ઉભા કરવામાં આવે છે. જો આમ જ ચાલ્યું તો લોકશાહી નામ જ ભૂંસાઈ જશે. રાજકારણનો આ અધ્યાય કેવી રીતે અને ક્યાં સમાપ્ત થશે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે.
ધર્મના નામે ખેલાઈ રહેલા રાજકારણમાં એટલી હદ આવી ગઈ છે કે, ધર્મનું ઓઢણું ઓઢીને બેઠેલા ઢોંગીઓ સમાજ સુધારણાને બદલે ભાજપમાં પ્રવેશવાના રસ્તે ચઢ્યા છે. ભગવો એટલે સાધુતાનો રંગ કહેવાતો હતો જે હવે ભાજપનો રંગ થઇ ગયો છે. સાધુઓ ભરી સભામાં હિંદુત્વના નામે ભાષણો કરીને માણસો વચ્ચે ધર્મના ભાગલાઓ કરવાની સાધુતા કરી રહ્યા છે. સાધુઓને પણ હવે ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે અને ચૂંટણી લડવા ભાજપ આગળ શીશ ઝુકાવી રહ્યા છે. ખરેખર આ રાજકારણ ક્યાં જઈને અટકશે તેની કોઈને કલ્પના શુધ્ધા નથી. (નોંધ : આ લેખ કોઈ ભાજપ વિરોધી કે લોકોને ભડકાવવા માટેના આશયથી નથી લખવામાં આવ્યો પરંતુ જે સત્ય છે તે એક મીડિયાની જવાબદારી સમજીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી