Face Of Nation 01-12-2022 : ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ મતદાન ગુજરાતની ગાદી માટે ચોક્કસ નિર્ણાયક બનશે. લોકશાહી જીતશે કે હારશે તે માટે ગુજરાતની પ્રજા આજે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતીઓને રીઝવવા અને તેમનો વિશ્વાસ મતમાં પરિવર્તિત કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરીને એડી ચોટીનું જોર લગાવ્યું છે. પ્રજા માટે લોકશાહી જીવંત રહેવી તે ખુબ જ જરૂરી છે. જયારે લોકશાહીનું પતન થશે ત્યારે પ્રજાનો અવાજથી લઈને પ્રજાનો સંવાદ દબાઈ જશે. ચૂંટણી ફક્ત દેખાદેખી કરતા લોકશાહીને જીવંત રાખવાના ઇરાદે વધુ હોવી જોઈએ. દરેક લોકોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે એ વિચાર સાથે કે, શું મારા દેશમાં મનુષ્ય જીવની કિંમત છે ? શું મારા દેશમાં લોકશાહી જીવંત છે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રાજકીય પક્ષો માટે ભલે નીરસ રહી હોય, પરંતુ જનતાએ તો મન બનાવી જ લીધું છે. પ્રજાનું અકળ મૌન ભાજપ, કોંગ્રેસ અને આપને બરાબરનું અકળાવી રહ્યું છે.રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26, જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી, જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.
પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઊતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે, જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણીજંગમાં ઊતરી છે.
કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).