Face Of Nation 6-12-2022 : છેલ્લી બે ચૂંટણીના પરિણામો પોલના આંકડાઓ ખોટા સાબિત કરે છે. 2002 બાદ ભલે નરેન્દ્ર મોદીના નામે ભાજપનો સતત વિજય થતો આવ્યો હોય પરંતુ કોંગ્રેસની સીટોમાં વધારો થયો છે સાથે જ આ ચૂંટણીમાં એટલે કે તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ મજબૂતાઈથી રાજકીય ટક્કર આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને નડશે સાથે ગુજરાતની અનેક સીટો ભાજપને ગુમાવવી પડશે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ભાજપમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે કેમ કે આવી સીટો ઉપર ભાજપના પાયાના કાર્યકરોની જ નારાજગીએ અંદરખાને કોંગ્રેસી આયાતી ઉમેદવારને હરાવવા મહેનત કરી છે.
2012માં 70.75 મતદાન થયું હતું અને 115 સીટો ઉપર ભાજપને જીત મળી હતી જયારે 61 બેઠકો ઉપર કોંગ્રેસને જીત મળી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 63 ટકા નોંધાઈ હતી જેમાં ભાજપને 99 સીટો મળી હતી જયારે કોંગ્રેસને 77 સીટો ઉપર જીત મળી હતી. આ વર્ષે નોંધાયેલી મતદાનની ટકાવારી 59 ટકાની આસપાસ છે. લોકો એવું માને છે કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતમાં ગાબડું પાડશે પરંતુ હકીકતે આમ આદમી પાર્ટીએ મોટાભાગના વિસ્તારોમાં કોંગ્રેસ કરતા ભાજપના મતો વધુ તોડ્યા છે. ભાજપથી નારાજ લોકોના મત આમ આદમી પાર્ટીમાં પડ્યા છે જેને લઈને આગામી ચૂંટણીના પરિણામો સૌને ચોંકાવશે. પ્રથમ ચરણના મતદાન બાદ ખુદ ભાજપના સુપ્રીમો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચિંતામાં વધારો થયો હતો અને તેમણે બીજા ચરણના મતદાનમાં ખાસ ધ્યાન રાખ્યું હતું સાથે જ ગુજરાતના સ્થાનિક સંગઠનને પણ જરૂરી સૂચનાઓ આપી હતી.
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી આવેલાને ઉમેદવાર બનાવતા અંદરખાને ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી હતી અને આ નારાજગી કોંગ્રેસી ઉમેદવારની વિરુદ્ધમાં મતદાન કરીને ઠાલવવામાં આવી હોવાનું કહેવાય છે. આ મતદાન આમ આદમી પાર્ટીને ફાળે વધુ ગયું છે. પરિવર્તનના નારા સાથે લોકોએ ભાજપને સબક શીખવાડવાનું નક્કી કર્યું હોય તેમ આવનારી ચૂંટણીના પરિણામો ચોક્કસથી ગુજરાતીઓની આંખો ચાર કરી નાખશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આગામી 8 તારીખે મોટાભાગના તમામ પોલ ખોટા સાબિત થશે અને ચૂંટણીના પરિણામો આશ્વયજનક હશે. ભાજપ 100નો આંક વટાવી શકશે નહીં સાથે જ વિરોધ પક્ષ મજબૂત બનશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ઓછું મતદાન હંમેશા ભાજપની વિરુદ્ધમાં રહ્યું છે કેમ કે મધ્યમ પરિવારો અને સુખી પરિવારો જ મતદાનથી દૂર રહે છે બાકી ગરીબ પરિવારોનું મતદાન મોટેભાગે 100માંથી 100 ટકા હોય છે કેમ કે આ વર્ગને સરકારની તમામ જાહેરાતો કે સહાયો કે કામગીરીની સીધી અસર થતી હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).