Face Of Nation 9-12-2022 : આંદોલન કરીને પ્રજાને હાથો બનાવી સરકારને ઘેરનારા આજે પ્રજાના પ્રતિનિધિ બની ગયા છે. હાસ્યાસ્પદ બાબત બની ગઈ છે કે, જે લોકોએ મોદી-શાહ અને ભાજપને ભાંડવામાં કે આક્ષેપો કરવામાં કાંઈ બાકી ન રાખ્યું તેવા લોકોને પ્રજાએ ભાજપમાંથી જ જીતાડી દીધા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે રાજકારણનો નવો અધ્યાય ગુજરાત મધ્યેથી લખ્યો છે. આંદોલન કરીને જે પક્ષની સરકાર ધ્રુજાવી દીધી હતી તે જ પક્ષમાં સમાધાન કરીને પ્રવેશ મેળવીને પોતાની જીદ પુરી કરીને મનગમતી વિધાનસભાની ટિકિટ મેળવી અને પ્રજાએ આ ઉમેદવારોને જીતાડી દીધા.
વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીનાં મેદાનમાં હતા. જેમાંથી એક જીગ્નેશ મેવાણીએ પહેલા અપક્ષ ચૂંટણી લડ્યા અને વડગામની પ્રજાએ તેમને બહુમતીથી જીતાડ્યા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને બીજી એટલે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પણ જીત્યા. બીજી તરફ જેને આંદોલનની આડશ લઈને ભરપૂર ભાંડી તે જ ભાજપમાં અને મોદીના શરણમાં જવાનો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે નિર્ણય લીધો અને ચૂંટણીમાં ઝંપલાવ્યું. પ્રજાએ આ બંને નેતાઓને ભાજપના ઉમેદવાર જોઈને જીતાડી દીધા.
હાર્દિક પટેલ વિરમગામ અને અલ્પેશ ઠાકોરને ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા અને પ્રજાએ તેમને જીતાડી દીધા. ગુજરાતના રાજકારણનો આ એક નવો અધ્યાય છે. આ ત્રણેય નેતાઓને આંદોલન બાદ સૌ પ્રથમ કોંગ્રેસે રાજકીય પ્લેટફોર્મ પુરુ પાડ્યુ પણ સમાયાંતરે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી ભાજપ સાથે હાથ મિલાવી લીધા અને ચૂંટણી મેદાને જંપલાવ્યું.
આ અધ્યાયમાં એ પણ લખવામાં આવશે કે ભાજપમાં પ્રવેશ મેળવીને ટૂંક સમયમાં નેતા કે સત્તાધિકારી બનવા માટે વિરોધપક્ષ એટલે કે કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને ભાજપ સાથે સોદો કરીને પ્રવેશ મેળવવામાં આવે તો સફળતા અને પ્રજા બંને તમારા પગમાં હોય છે. વિરોધ પક્ષમાંથી સત્તા પક્ષમાં આવ્યા બાદ પણ પ્રજા મત આપે જ છે તે વાત પણ બખૂબી આવનારા સમયના રાજકારણ માટે એક ઉદાહરણ બની જશે. હવે એવું નહિ રહે કે, પક્ષ પલટો કરનારને પ્રજા નહીં સ્વીકારે. પ્રજાએ આજે એ વાતની સાબિતી પુરી દીધી કે, ભાજપ જો કોઈ પ્રાણીને પણ તેના બેનર હેઠળ ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કરશે તો પ્રજા તેને પણ બહુમતિથી જીતાડી દેશે.
એક સમય એવો હતો કે, પક્ષ કરતા સ્થાનિક અને સ્વચ્છ ઉમેદવાર ઉપર પ્રજા પહેલા પોતાની પસંદગી ઉતારતી હતી. હવે, પ્રજા ઉમેદવારને નહિ પક્ષને જુએ છે. ગુજરાતની આ ચૂંટણીએ એ વાત સાબિત કરી દીધી કે, ઉમેદવાર ગમે તે હશે પક્ષ જોઈને બહુમતી આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).