Face Of Nation 07-03-2023 : છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા કલેકટરના વિવાદાસ્પદ નિર્ણયને લઈને લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે અને સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. સત્તા સામે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. બનાસકાંઠાના કલેકટર અને અંબાજી મંદિરના મુખ્ય વહીવટદાર એવા આનંદ પટેલે હાલ તો માઈ ભક્તોના આનંદ ઉપર તરાપ મારી છે. કલેકટરે મંદિરમાં આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કી આપવાનો નિર્ણય લઈને ચોમેર વિવાદનો મધપૂડો છંછેડયો છે. લોકશાહીમાં અધિકારીઓ પ્રજા માટે અને પ્રજાના હિતમાં કામ કરે છે. અધિકારીઓને પ્રશ્ન કરવાનો અને સીધો સંવાદ કરવાનો અધિકાર પણ પ્રજાનો છે. કલેકટરે લીધેલા વિવાદાસ્પદ નિર્ણયને પગલે માઇભકતો સીધી રજૂઆત કલેકટરને કરી શકે અને આ અંગે પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજે ફેસ ઓફ નેશન કલેકટરનો મોબાઈલ નંબર જાહેર કરે છે. જે નંબર ઉપર આપ આપની રજૂઆત મેસેજ કે ફોન કરીને જણાવો જેથી કલેકટરને ખબર પડે કે તેઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય યોગ્ય છે કે નહિ ? કલેકટરનો નંબર ૯૯૭૮૪૦૬૨૦૪ છે.
આ મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને મુખ્યમંત્રીએ પણ મોહનથાળ બંધ ન કરવા અંગે સૂચન કર્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. કલેકટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સીધી ચીક્કીના વેચાણમાં વધારો કરવા અને વેપારીને ફાયદો કરાવવા કરવામાં આવી હોવાની સ્પષ્ટ ચાડી ખાય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં રૂકાવટ નાખવી કે નિયમોમાં બદલાવ કરવો તે યોગ્ય નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના મીડિયામાં પણ સમાચારો ચાલી રહ્યા છે, લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે છતાં કલેકટરને પેટનું પાણી હાલતું નથી. સમગ્ર મુદ્દા પાછળ તેમની મુખ્ય ભૂમિકા હોવા છતાં તેઓ આ મામલે મગનું નામ મરી ન પાડી શું સાબિત કરવા માંગે છે ? એમ કે જેને જે તોડવું હોય એ તોડી લો, જેને જે વિરોધ કરવો હોય એ કરી લો અમારો નિર્ણય નહિ જ બદલાય એમ ? કલેકટરે તેમના મનસ્વી નિર્ણયને રદ્દ કરવો જરૂરી બન્યો હોવા છતાં કોના ઇશારે તે આટલી હિંમત કરીને હજુ સુધી ચુપકીદી સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે.
છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર પ્રસાદ મામલે નિર્ણય લઈને બનાસકાંઠા કલેકટરે ચુપકીદી સેવી લીધી છે અને સમગ્ર મામલે ભક્તોએ હોબાળો મચાવી દીધો છે. આ મામલે મળતી માહિતી મુજબ કલેકટરે સરકારને પણ સાઈડ લાઈન કરીને મુખ્યમંત્રીની જાણ બહાર આટલો મોટો નિર્ણય મનસ્વી રીતે લઈને ચોમેર વિવાદ ઉભો કરી દીધો છે. તેવામાં આ સમગ્ર મામલે હવે પ્રજાના હિતમાં જ નિર્ણય લઈને માત્ર ચીક્કી એવો તઘલખી નિર્ણય રદ્દ કરીને મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. કેમ કે હવે કલેકટરે જાણ્યા જોયા અને સમજ્યા વિના ઉભો કરેલો આ વિવાદ હવે ફરી મોહનથાળ ચાલુ કરીને જ શાંત પાડી શકાય તેમ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી એકાદ બે દિવસમાં ગાંધીનગરથી થયેલી સૂચનાને આધારે આ નિર્ણય રદ્દ કરવાની જાહેરાત કલેકટર દ્વારા કરવામાં આવે તેમ છે પરંતુ તે અગાઉ પ્રજાએ કલેકટરને આ મામલે કોઇ રજૂઆત કરવી હોય તો ફેસ ઓફ નેશને તેમનો સરકારી નંબર જાહેર કર્યો છે. આ નંબર ઉપર ફોન કરીને માઇભકતો કે ગુજરાતની જનતા અધિકારીને તેમના નિણર્ય અંગે સવાલ પૂછી શકે છે. તેઓને પણ જાણવું જરૂરી છે કે તેમના અધિકારીઓ કેવા છે અને પ્રજાનું કેટલું માને છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).