Face Of Nation 10-03-2023 : ગોધરાકાંડના નામે સત્તાએ આવીને હિન્દુત્વનો દેખાડો કરનાર ભાજપ સરકારે સૌથી વધુ હિંદુઓને ટાર્ગેટ કર્યા છે. ગાંધીનગરમાં મંદિરોના ડિમોલેશનથી લઈને ગુજરાતભરમાં સૌથી વધુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. જેને લઈને અવારનવાર વિરોધ પ્રદર્શન અને તોફાનો પણ થયા છે. તાજેતરમાં અંબાજી મંદિરમાં વર્ષોથી અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ફરી એક વાર હિંદુત્વનો ઝંડો પકડીને નીકળેલી ભાજપ સરકાર હિન્દૂ મંદિર ટાર્ગેટ કર્યું છે. વિરોધપક્ષના નેતાએ અગાઉ ગૃહમાં આપેલા નિવેદન પ્રમાણે ગુજરાતની ભાજપ સરકારે રાજ્યમાં નાના મોટા આશરે 500 જેટલા મંદિરો તોડી પાડ્યા છે. ક્યાંક રાતોરાત મંદિર તોડી પાડવામાં આવ્યા તો ક્યાંક પોલીસના બળપ્રયોગને સહારે મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા. હિંદુત્વના નામે લોકો હિંદુઓને જ મૂર્ખ બનાવવાની ગજબની રાજનીતિ ભાજપ ખેલી રહ્યું છે અને લોકોને તેની ગંધ શુધ્ધા ન આવે તે રાજનીતિની માસ્ટરી છે. બિન હિન્દૂ મંદિરો તોડી પાડવામાં આવ્યા હોય અને વિરોધ કે દેખાવો થયા હોય તેવા સમાચારો પ્રકાશમાં આવ્યા નથી તેથી વધુ હિન્દૂ મંદિરો તોડી પાડવામાં આવતા દેખાવો, હોબાળા, વિરોધ અને આગજની પ્રદર્શનો થયાના સમાચારો પ્રકાશમાં આવ્યા છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી આપવામાં આવતો માતાજીનો મોહનથાળ બંધ કરીને હિંદુત્વના નામે મતો માંગનારી સરકારે વધુ એક વાર હિન્દૂ મંદિરના નિયમોમાં બદલાવ લાવવાની હિંમત કરી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરામાં ભાજપે રોક લગાવી દીધી છે. ભાજપે આ પહેલી પહેલ નથી કરી કે જેમાં હિન્દૂ મંદિરની પરંપરામાં બદલાવ લાવવાની હિંમત કરી હોય, અગાઉ પણ ઘણા મંદિરોમાં પરંપરામાં બદલાવવા લાવવામાં આવ્યો છે. સત્તાના મોહમાં આંધળી બનેલી ભાજપ સરકારના નેતાઓને એવું શૂરાતન ચઢી ગયું છે કે, કઈ પણ કરીશું જનતા તો હોંશે હોંશે મત આપશે જ. જનતાએ પણ ભાજપને જંગી બહુમતી આપીને કોઈ પણ નિર્ણયો લેવા માટે બેફામ બનાવી દીધી છે. વિદેશોમાં લોકશાહી એટલે જીવંત છે કે, નેતા કે કોઈ રાજકીય પક્ષ તેનું ધાર્યું ન કરી શકે. કોઈ પણ દેશમાં ભારત જેવી સ્થિતિ નથી. કોઈ પણ દેશના રાજકીય પક્ષો કે નેતાઓને પ્રજાએ હજુ સુધી બેફામ બનાવ્યા નથી. પ્રજાનો પાવર એક આંખે પ્રેમ દેખાડવાનો અને એક આંખે ડર દેખાડવાનો પણ હોવો જોઈએ. લોકશાહીમાં નેતાને કે કોઈ એક રાજકીય પક્ષને એમ થઇ જાય કે પ્રજા શું ઉખાડી લેશે ? આપણને જે યોગ્ય લાગે તેમ કરો. બસ, આટલેથી પ્રજા અને લોકશાહી બંનેની પતન તરફ જવાની શરૂઆત થાય છે.
સત્તાના કામ કે નેતાઓ પાછળ ક્યારેય એટલા પણ અંધ ન બની જવું જોઈએ કે સરકાર કે રાજકીય પક્ષોના નેતાને પ્રજાનો ડર જ ન રહે. આજે ગુજરાતમાં આ પરિસ્થતિ છે કે નેતાઓ કે સત્તાને પ્રજાનો સહેજ પણ ડર નથી. હિંદુત્વના નામે લોકો પાસેથી મત માંગવામાં આવે છે પણ સૌથી વધુ હિન્દૂ મંદિરો જ ટાર્ગેટ કરવામાં આવે છે. તમામ નીતિનિયમો અને પૈસા કમાવવા માટે મળતિયાઓને હિન્દૂ મંદિરો જ સોંપી દેવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરનો પ્રસાદનો મામલો ઉગ્ર બનતો જઈ રહ્યો છે પરંતુ સત્તામાં બેઠેલા કોઈ પણ નેતા કાંઈ પણ કહેવા તૈયાર નથી કે પ્રજાનો વિરોધ હોવા છતાં નિયમને રદ્દ કરવાની હજુ સુધી કોઈએ તસ્દી લીધી નથી ને જાણે કે બિન્દાસ્ત પ્રજાને કહી રહ્યા હોય કે થાય તે તોડી લો, નિયમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).