Face Of Nation 25-03-2023 : ભારતની પરિસ્થિતિ આજે બદલાઈ ચુકી છે. ભારતની જનતા એવી છે કે જે હજુ પણ મીડિયાના સમાચારોને આધીન પોતાની વિચારસરણી ધરાવે છે. વડાપ્રધાન બનવાની રણનીતીના ભાગરૂપે પ્રથમ કાર્ય મીડિયાને હાથમાં લેવાનું નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ નેશનલ મીડિયા પણ તેમને હદ કરતા વધુ કવરેજ આપી રહ્યું હતું જેનું મુખ્ય કારણ જાહેરાત હતું. આજે મોટાભાગના મીડિયા હાઉસો, પત્રકારો, કાયદો, તંત્ર અને અધિકારીઓ બધું જ મોદીને શરણે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતમાં બે મુખ્ય કેસો ઉપર નજર નાખીએ તો હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી આ બે કેસો ન્યાયતંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરે છે અને ન્યાયતંત્ર મોદીના પ્રભાવમાં હોવાની ચાડી ખાય છે.
રાહુલ ગાંધી જો ભાજપમાં જોડાઈ જાય કે ભાજપને સમર્થન કરવા લાગે તો કાલે સવારે તેમની સામેના તમામ કેસો પડતા મુકાઈ જાય અને તેઓ નિર્દોષ સાબિત થઇ જાય સાથે સજા પણ રદ્દ થઇ જાય. આ વાતનું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાત સરકારના એક સમયના રાજદ્રોહી અને આજે સરકારના નેતા એવા હાર્દિક પટેલ. હાર્દિક પટેલે ભાજપને ચરણે પડીને શરણાગતિ સ્વીકારતાની સાથે જ ધારાસભ્ય પદ મળ્યું અને સાથે જ તમામ કેસોમાંથી રાહત પણ મળવા લાગી. આજે ભાજપમાં જોડાઈ જનાર ગમે તેવા ચમરબંધી ગુંડાઓ પણ શાહુકાર બની જાય છે. કેમ કે, ભાજપમાં જોડાયા એટલે તમે શુદ્ધ શાહુકાર થઇ ગયા એવું ચિત્ર દોરવામાં ભાજપનું આઇટી તંત્ર કશું જ બાકી રાખતું નથી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ વાયનાડથી લોકસભાના સભ્ય હતા. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે.
આ કેસમાં સુરત કોર્ટે તેમને સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે 2013માં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ જનપ્રતિનિધિ, જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.
ભારતની લોકશાહી માટે આ એક આંચકાજનક ચુકાદો છે કેમ કે રાજકારણમાં આજદિન સુધી ક્યારેય નેતાઓની બેફામ ભાષણ બાજી થઇ હોવા છતાં કેસ થયો નથી કે કોઈને સજા થઇ નથી પરંતુ ભાજપના રાજમાં થયેલી આ કામગીરી ઘણા સવાલોની સાથે લોકોને એક ગંભીર ચીમકી પણ આપી રહ્યું છે કે, જો કોઈ ભાજપ કે વડાપ્રધાન સામે બોલ્યું તો ગયું સમજો ! રાહુલ ગાંધી જેવા રાહુલ ગાંધીને જેલની સજા થઇ જતી હોય તો પ્રજા તો ક્યાં ખેતની મૂડી છે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).