Home Uncategorized અંબાલાલને ખબર હતી કે વરસાદ આવશે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી અજાણ હતા તેથી...

અંબાલાલને ખબર હતી કે વરસાદ આવશે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી અજાણ હતા તેથી દરબારનું આયોજન કર્યું

Face Of Nation 31-05-2023 : અમદાવાદ કે ગુજરાતમાં વરસાદ આવવાનો હોય તો તેની આગોતરા આગાહી અંબાલાલ કરી નાખે છે અને ક્યારેક વરસાદ ધોધમાર વરસી પણ પડે છે. જો કે લોકોની અરજીઓ ખોલતા અને લોકોના મનની વાતો દરબારમાં અરજી સ્વરૂપે લખીને જાહેર કરતા બાબા બાગેશ્વર એટલે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી કુદરતની વાત ન જાણી શક્યા. ચમત્કારો ઉપર ચમત્કારો દેખાડતા ધીરેન્દ્ર શાસ્ત્રીને કદાચ ખબર નહોતી કે, અમદાવાદ અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે અને ક્રિકેટ મેચનું આયોજન રદ્દ થશે કે પછી તેમના દરબારનું આયોજન મુલતવી રાખવું પડશે. બાબા જાને મન કી બાત પણ બાબા કયો નહિ જાન શકે કુદરત કે મનકી બાત. જો અંબાલાલને ખબર હતી કે વરસાદ પડશે અને બાબાને ખબર નહોતી કે બાબાએ વરસાદ બાબતે કોઈ આગોતરા આગાહી પણ કરી નહોતી તો ખરા અર્થમાં ચમત્કારી કોણ ? અંબાલાલ કે બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ?
નવાઈ ત્યારે લાગે છે કે, જે બાબાઓને તેમનો કાર્યક્રમ થશે કે કેમ તેની ખબર નથી હોતી તેવા બાબાઓ આગળ લોકો કેમ અરજી ખોલાવવા પહોંચી જતા હશે. જો આમ જ અરજીઓથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ થતું હોય કે થતું હશે તો ખરેખર મંદિરો કે મસ્જિદો કોઈ જ કામના નથી. કોઈએ આવા ધર્મસ્થાનોમાં જવું જોઈએ નહીં અને ત્યાં તાળા મારીને શાળા-કોલેજો શરૂ કરી દેવા જોઈએ. બાબાઓ જ જો લોકોનો ઈલાજ કરતા થઇ જશે તો હોસ્પિટલોને પણ તાળા મારી દેવા જોઈએ. કોરોનાકાળ સમયે કરોડો લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે કેમ આ બાબા આગળ ન આવ્યા ? ક્યાં હતા ધીરેન્દ્ર શાસ્ત્રી તે સમયે ? કેટલા લોકોને કોરોનાકાળમાં આ બાબાએ તંદુરસ્ત કરીને રોગ મુક્ત કર્યા ? ખરેખર આ બધું અંધશ્રદ્ધાથી વધીને કઈ જ નથી પરંતુ જ્યાં સુધી લોકો આ વાત નહિ સાંજે ત્યાં સુધી આવા બાબાઓના દરબાર ભરાતા રહેશે અને તેમની કમાણી પણ આસમાને રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. દેશ અને દુનિયા જયારે ટેક્નોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભારતીયો આવા બાબાને પ્રોત્સાહન આપીને તેમની ધાર્મિક આસ્થા સાથે રમત રમવાની અને રાજકારણીઓને તેમની મેલી મુરાદ પાર પાડવા છૂટો દોર આપી રહ્યા છે તે કેટલું યોગ્ય છે. આવનારી પેઢી આજની પેઢી ઉપર આવતી કાલે અટ્ટહાસ્ય કરશે કે, આપડા દાદા દાદીઓ આવા બાબાઓને નતમસ્તક થતા હતા અને તેમની અરજીઓ આપીને જાહેરમાં તેમની આબરૂને લીલામ કરવાની બાબાઓને પરમિશન આપી રહ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર હાલ સત્તાના ચાર હાથ છે અને સત્તાધારીઓ જાણે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીને હાઇજેક કરીને હિંદુત્વના નામે પોતાની સત્તાની સીડીને મજબૂત બનાવી રહ્યા હોય તેમ મીડિયા પણ બાબાની આરતી ઉતારવામાં મગ્ન બની ગયું છે. જેને ભાજપનો સહારો તેને મીડિયાનો સંપૂર્ણ સહારો હાલ આ વાત કહેવી ખોટી સાબિત નહીં થાય કેમ કે ભારતનું મીડિયા અને ખાસ કરીને ગુજરાતનું મીડિયા ભાજપનો કે ભાજપ દ્વારા કોઈ કાર્યક્રમ આયોજીત હોય એટલે પ્રજા હિત ઉભું કરી દેવાની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે અને તેથી જ આવા બાબાઓ બિન્દાસ્ત બનીને ભરી સભામાં મીડિયાકર્મીઓ આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે. જેમ નરેન્દ્ર મોદી ચૂંટણી સભા સમયે જાહેરમાં પ્રજા આગળ મીડિયાની આબરૂ નીલામ કરતા હતા તેમ બાબા પણ મીડિયાને અને મીડિયા કર્મીઓને હાથો બનાવીને તેમની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે. જો કે મીડિયા કે મીડિયાકર્મીઓમાં પણ હવે કાઈ દમ રહ્યો નથી તેથી જ આવા બાબાઓ તેમની આબરૂ કાઢે છે અને પોતાની જાતને પત્રકાર કહેવડાવતા લોકો બાબા જોડે સેલ્ફી ખેંચવા આતુર બને છે. (ફેસ ઓફ નેશન બાબાનું વિરોધી નથી કે આ લેખ બાબાની વિરૂધ્ધમાં કે કોઈ ધર્મગુરુની વિરૂધ્ધમાં નથી પરંતુ ફેસ ઓફ નેશન અંધશ્રધ્ધાને પ્રોત્સાહન ક્યારેય આપતું નથી) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

બાબા બાગેશ્વરના દરબારમાં કેમ ક્યારેય ભાજપના નેતાઓની અરજી નથી ખુલતી : બાબામાં હિંમત અને ખરેખર શક્તિ હોય તો નેતાઓનો દરબાર ભરે