Home Uncategorized દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજુ કરાયો

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજુ કરાયો

Face Of Nation:દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે આજે વિધાનસભા ગૃહમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. આસારામ આશ્રમ મોટેરા ખાતે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકના 3 જૂલાઈ 2008ના રોજ મૃત્યુ થયા હતા. જેને પગલે નિવૃત્ત જસ્ટિસ ડી.કે.ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. ડી.કે.ત્રિવેદી પંચ મુજબ બાળકોના મોત ડૂબી જવાથી થયા છે. અંગ ગાયબ થવાના કે તાંત્રિક વિધિ થઈ હોવાના પુરાવા મળ્યા નથી. ડી.કે.ત્રિવેદી પંચે વર્ષ 2013માં જ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્યો છે.

તપાસ પંચ મુજબ શાળાના બે બાળકોના મૃત્યુ અંગે સંપૂર્ણ વિગતો તપાસી છે. આશ્રમની બેદરકારીને કારણે 3 જૂલાઈ 2008ના રોજ દિપેશ અને અભિષેક મોડી સાંજે ગુમ થયા હતા. આ પ્રકારની નિષ્કાળજી કોઈ પણ પ્રકારે ચલાવી શકાય નહીં. આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ભૂલ/ક્ષતિ કરવામાં આવેલું હોવાનું જણાતું નથી.આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે 10 વર્ષથી નીચેના બાળકોને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવો. ડોકટર/વોર્ડન દ્વારા નિશ્ચિત રજીસ્ટરમાં બાળકોના સુવાના સમયે નોંધ કરવી, સી.સી.ટી.વી કેમેરા ની વ્યવસ્થા ગોઠવવી, વિદ્યાર્થી અને સાધકોની મૂવમેન્ટ રજીસ્ટર રાખવી, પ્રાથમિક તેમજ સારવાર ઉપલબ્ધ હોવી જોઈએ તથા મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીનો સતત સંપર્ક પણ જરૂરી છે. તેની સાથે સાથે કેમ્પસમાં રાત્રી દરમિયાન યોગ્ય લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી માટે યોગ્ય રમતનું મેદાન, મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નદી કિનારે લઈ જવાનું ટાળવું. જો લઈ જવામાં આવે તો ગુરુકુળના જવાબદાર વ્યક્તિ ને સાથે મોકલવા ભલામણ કરવામાં આવી છે.