Face Of Nation:ચૂંટણી પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂવારે થયેલા ત્રણ વિસ્ફોટોથી એક બાળક અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને 41 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.કાબુલ અને અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારોમાં હિંસાના પ્રમાણમાં વ્યાપક વધારો થવાના પગલે ગુરૂવારે ત્રણ વિસ્ફોટો થયા હતા જેમાં લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ રહેલા એક પરિવારના સભ્યોના પણ મોત થયા હતા.આગામી 28મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના સત્તાવાર અભિયાન મોસમના ત્રણ દિવસ પહેલા થયેલા હુમલાઓ પૈકી એકની જવાબદારી તાલિબાનોએ સ્વીકારી હતી.પૂર્વીય કાબુલમાં વહેલી સવારે 8:10 કલાકે એક હુમલાખોરે ખાણ અને પેટ્રોલિયમ મંત્રાલયની બસને મોટરસાઈકલ વડે ટક્કર મારી હતી અને તેની ગણતરીની મિનિટોમાં જ આસપાસમાં અન્ય બે ધડાકા થયા હતા.પોલીસ અધિકારી અબ્દુલ રહેમાનના મતે રાજધાનીના પૂર્વીય વિસ્તારમાં પણ એક આત્મઘાતી કાર હુમલો થયો હતો અને તેમના નિશાના પર આંતરરાષ્ટ્રીય ગઠબંધન સેના હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાના કહેવા પ્રમાણે મૃતકોમાં પાંચ મહિલા અને એક બાળક પણ સામેલ છે.